મહેસાણા નગરપાલિકા બહેનો માટે સિવણવર્ગની તાલીમ શરૂ કર્યા પછી હવે પ્રથમવાર બ્યુટીપાર્લરના તાલીમ વર્ગો ચાલુ કરવાનું આયોજન કરી રહી છે. જેમાં ટીબી રોડ પરના સરદાર વલ્લભભાઇ પટેલ જનસુવિધા કેન્દ્ર ખાતે બહેનો માટે બ્યુટી પાર્લરના તાલીમ વર્ગો ચાલુ કરવા અને તે માટે શિક્ષિકા (ટ્યુટર) રાખવા અંગે આગામી 25મીએ મળનારી સામાન્ય સભામાં પરામર્શ કરી નિર્ણય લેવાશે.
નગરપાલિકાની યુસીડી શાખાના સૂત્રોએ કહ્યું કે, નગરપાલિકા ખાતે અત્યાર સુધી બહેનોને સ્વરોજગાર માટે શિવણનાં તાલીમવર્ગ ચાલી રહ્યા છે, જેમાં 100 જેટલી બહેનો તાલીમ મેળવી રહી છે. જ્યારે અગાઉ સામૂહિક વિકાસ સત્તા મંડળ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લરના તાલીમ વર્ગ ચલાવાયા હતા, જેમાં પાલિકાએ માત્ર જગ્યા ફાળવી હતી. જોકે, હવે નગરપાલિકા દ્વારા જ બ્યુટીપાર્લરના તાલીમ વર્ગ શરૂ કરવાનું આયોજન કરાયું છે.
જેમાં ગરીબ, મધ્યમ વર્ગની બહેનો તાલીમ મેળવી આર્થિક રીતે પગભર થઇ શકે. ટીબી રોડ પર પાલિકાના જનસુવિધા કેન્દ્રમાં જગ્યા ઉપલબ્ધ હોઇ ત્યાં આ તાલીમ વર્ગ શરૂ કરવાનું આયોજન છે. જેમાં તાલીમ વર્ગની ફી, તાલીમાર્થીઓને શિખવવા શિક્ષિકા અને જરૂરી ખર્ચ અંગે આગામી તા.25મીની સામાન્ય સભામાં પરામર્શ કરીને નિર્ણય કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.