કાર્યવાહી:શહેરના ઈતિહાસમાં ગંદકી બદલ કોર્ટે દંડ ફટકાર્યાની પ્રથમ ઘટના,13 રહીશો દંડાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના ઇન્દીરાનગરમાં ઘર વપરાશનું ગંદુ પાણી રોડ ઉપર ઢોળી ગંદકી કરતાં સજા
  • પાલિકાના સેનેટરી ઈન્સપેક્ટરે 14 રહીશો સામે કોર્ટમાં ફરિયાદ કરી, દરેકને રૂ.100 દંડ કર્યો

મહેસાણા શહેરમાં લાખવડ રોડ પર ઈન્દીરાનગર સોસાયટીના 13 રહીશોને ગંદકી કરવા બદલ રૂ.100નો દંડ ફટકારાયો છે. દંડ ન ભરે તો 4 દિવસની કેદની સજાનો કોર્ટે હુકમ કર્યો હતો. જોકે, તમામે દંડ ભરી દેતાં કોર્ટે મુક્ત કર્યા હતા. ઉલ્લેખનિય છે કે, નગરપાલિકાના સેનેટરી ઈન્સપેક્ટરે બે વર્ષ અગાઉ 14 રહીશો સામે ગંદકી કરવા બદલ કોર્ટમાં ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મહેસાણા નગર પાલિકાના ઈતિહાસમાં ગંદકી બદલ કોર્ટે દંડ ફટકાર્યાની પ્રથમ ઘટના છે.

ઈન્દીરાનગર સોસાયટીના કેટલાક રહીશો દ્વારા ઘર વપરાશનું ગંદુ પાણી જાહેર રોડ ઉપર છોડવામાં આવતું હતું. આ ગંદુ પાણી રેલાઈને નજીકની પ્રાથમિક શાળા આગળ ભરાઈ રહેતું હોવાથી શાળાના સ્ટાફ દ્વારા પાલિકામાં રજૂઆત કરાઈ હતી. તેથી પાલિકાના સેનેટરી વિભાગે ગંદુ પાણી રોડ ઉપર છોડતાં રહીશોને ગટર કનેક્શન લેવા અને ગંદુ પાણી નહીં છોડવા નોટિસ પાઠવી હતી.

તેમ છતાં નોટિસનો અનાદર કરાતાં સેનેટરી ઈન્સપેક્ટર દિલીપ ત્રિવેદીએ ગંદકી કરતા 14 રહીશો સામે ડિસેમ્બર-2019માં પાલિકાના વકીલ ધ્રુવ યાજ્ઞિક મારફતે મહેસાણા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કલમ 192 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એલ. યાજ્ઞિકની કોર્ટમાં ચાલી જતાં પાલિકાના વકીલ ધ્રુવ યાજ્ઞિકની દલીલો ગ્રાહ્ય રાખી 14 પૈકી દરજી સવિતાબેન બાબુલાલનું મરણ થતાં 13 આરોપીને દોષિત ઠેરવી દરેક આરોપીને રૂ.100નો દંડ ફટકાર્યો હતો. રૂ.100 દંડ ન ભરે તો 4 દિવસની કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો. તમામે દંડ ભરસ દેતાં મુક્ત કરાયા હતા.

ફરી ગંદકી નહીં કરવાની ખાતરી, દંડ ભરતાં મુક્ત કર્યા
લાખવડ રોડ પર આવેલી ઈન્દીરાનગર સોસાયટીના રહીશો સામે કોર્ટમાં ફરિયાદ કરાતાં કોર્ટે નોટિસ પાઠવતાં તમામ આરોપીઓએ હાજર થઈ ગુનાની કબૂલાત કરી હતી. જ્યારે કોર્ટે ફટકારેલો દંડ ભરી ભવિષ્યમાં ગુનો નહીં કરવાની ખાતરી આપતાં કોર્ટે આરોપીઓનો દંડ સ્વીકારી મુક્ત કરવામાં આવ્યા હતા. આરોપીઓ તરફથી કોઈ વકીલ રખાયા નહોતા.

ફોટોગ્રાફ આધારે સજા
શહેરમાં કોઈ નાગરિક ગંદકી કરે તો પાલિકા દ્વારા નોટિસ પાઠવી ગંદકી નહીં કરવા તાકીદ કરાય છે. વારંવારની નોટિસ આપવા છતાં પણ સુધરે નહીં તો પાલિકા દ્વારા કલમ 133 મુજબ પ્રાંત અધિકારીની કોર્ટમાં ફરિયાદ કરાય છે. ઉપરાંત, મિલકત ધારક સુધરે નહી તો કોર્ટમાં કલમ 192 મુજબ ફરિયાદ કરી શકાય છે. પાલિકાના વકીલ દ્વારા અરજદારોને સજા અપાવવા ફોટોગ્રાફ અને પાલિકાએ વારંવાર ફટકારેલી નોટિસોના પુરાવા અદાલત સમક્ષ રજૂ કર્યા હતા.

દંડાયેલા રહીશો
​​​​​​​1.સંજયભાઈ ગાંડાજી ઠાકોર
2.જગદીશ મોતીલાલ ખત્રી
3.જયંતિભાઈ દરજી
4.રણજીતભાઈ બચુભાઈ
5.વિષ્ણુભાઈ પટેલ
6.હીરાબેન પરસોત્તમભાઈ
7.નરેશજી ગોકાજી ઠાકોર
8.ચૌધરી સેંધાભાઈ
9.કાંતાબેન કડવાજી ભીલ
10.જનકભાઈ શંભુલાલ
11.મંજુબેન રૂપસિંગ ઠાકોર
12.શીતલ લોકેન્દ્ર રાઠોડ
13.સલમાબાનુ નિજામુદ્દીન

અન્ય સમાચારો પણ છે...