હવામાન:ઉત્તર ગુજરાતમાં મે મહિનામાં પહેલીવાર ગરમીએ 43 ડિગ્રીનો આંક વટાવ્યો

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 24 કલાક બાદ ગરમી આંશિક ઘટશે : હવામાન વિભાગ

અસાની વાવાઝોડાના કારણે મંગળવાર સવારે ઉત્તર ગુજરાતનું આકાશ વાદળછાયું બન્યું હતું. જોકે બપોર સુધીમાં વાતાવરણ સામાન્ય થતાં ગરમી 1 ડિગ્રી સુધી વધી હતી. મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચતાં જાણે આગ ઓકતી ભઠ્ઠીમાં ફેરવાયું હોય તેમ વાતાવરણ ગરમ લાહ્ય બન્યું હતું.

બંગાળની ખાડીમાં સક્રિય થયેલા અસાની વાવાઝોડાના કારણે મંગળવારે ઉત્તર ગુજરાતમાં મોટાભાગે પવનની દિશા પશ્ચિમની રહી હતી. જેના કારણે સવારના સમયે વાતાવરણ વાદળછાયું રહેતાં અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. જોકે, બપોર સુધીમાં વાતાવરણ સામાન્ય થતાં ગરમી 1 ડિગ્રી સુધી વધી હતી.

43 ડિગ્રી તાપમાન અને પ્રતિ કલાકે સરેરાશ 3 કિમીની ઝડપે ફૂંકાયેલા ગરમ પવનના કારણે કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. ગરમ લાહ્ય પવનના કારણે શરીર દાઝી રહ્યું હોય તેવો અનુભવ થયો હતો. જેને લઇ બજારોમાં જનતા કર્ફયૂ જોવા મળ્યો હતો. જો કે, સાંજ પડતાં ફરી ગરમી સાથે ઉકળાટના કહેર બાદ મોડી રાતે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે અંશત: વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીની આ સ્થિતિ યથાવત રહી શકે છે. ત્યાર બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીના ઘટાડા સાથે ગરમીથી આંશિક રાહત મળી શકે છે.

ગરમીનો પારો વધ્યો
મહેસાણા43.2 (+1.0) ડિગ્રી
પાટણ43.0 (+0.6) ડિગ્રી
ડીસા43.0 (+0.8) ડિગ્રી
ઇડર43.4 (+0.9) ડિગ્રી
મોડાસા43.0 (+1.0) ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...