મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગમાં 11 માસના કરારથી નોકરીમાં લેવા રૂ. 25-25 હજારના ઉઘરાણા મામલે નગરપાલિકાએ હાથ ધરેલી પૂછપરછમાં તથ્ય જણાઇ આવતાં આઉટ સોર્સિંગ કર્મચારી નિરવ પટેલ અને મહેશ ચૌધરીને ટર્મીનેટ કરી દેવાયા છે. જોકે, હજુ કોઇની પાસેથી રકમ ઉઘરાવી નથી, પરંતુ આ મામલે તપાસ કરાઇ રહી હોવાનું પ્રમુખ વર્ષાબેન પટેલ અને કારોબારી ચેરમેન કૌશિક વ્યાસે જણાવ્યું હતું. નગરપાલિકા દ્વારા એ.બી. એન્ટરપ્રાઇઝ એજન્સી મારફતે આઉસ સોર્સિંગથી કર્મચારીઓને ફરજમાં લઇ રહી છે.
ફાયર વિભાગમાં આઉસ સોર્સિંગથી છેલ્લા 6 મહિનાથી કામ કરતાં ફાયરમેન, ડ્રાઇવર સહિત 19 જેટલા કર્મચારીઓ દ્વારા રૂ.25-25 હજારનું ઉઘરાણું 11 માસના કરાર હેઠળ નોકરીમાં રહેવા માટે થતું હોવાની વાતો બજારમાં વહેતી થઇ હતી. આ બાબત નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત પદાધિકારીઓના ધ્યાને આવતાં તાબડતોબ પ્રમુખ દ્વારા તમામ 19 કર્મચારીઓને બોલાવી ખુલાસો પૂછાયો હતો.
જેમાં કેટલાક કર્મીઓએ ફાયર વિભાગમાં એક કર્મચારીને કેન્સર હોઇ તેની સારવાર મદદ માટે રકમ એકઠી કરી રહ્યાનું જણાવ્યું હતું, તો કેટલાકે ફરવા ટૂર ગોઠવવા ઉઘરાણાનું કહ્યું, તો બે કર્મચારીઓએ ફાયર વિભાગમાં 11 માસમાં કરારમાં નોકરી લેવા રૂ. 25 હજાર આપવા, ફાયર ચેરમેનને રૂ.2.50 લાખ પહોંચાડવાના છે તેવી અલગ અલગ ત્રણ બાબતો જણાઇ હતી.
જેમાં બે આઉટ સોર્સિગ કર્મચારીઓએ 11 માસના કરારમાં લેવા અંદરો અંદર રૂ.25 હજાર ઉઘરાણા બાબતની કબૂલાત પ્રમુખ સમક્ષ કરી હતી. આથી આ બે કર્મી નિરવ પટેલ અને મહેશ ચૌધરીને ટર્મીનેટ કરાયા છે. જેને લઇ અન્ય કર્મીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
બે કર્મીએ કબૂલાત કરતાં પગલાં લેવાયાં, હજુ તપાસ ચાલુ છે
ફાયર કર્મીઓમાં ઉઘરાણા અંગેની વાતો મળતાં સોમવારે બધાની પૂછપરછ કરી હતી. જેમાં બે કર્મીએ કબૂલ્યું કે અમે પૈસા ઉઘરાવતા હતા 25-25 હજાર. 11 મહિનાના કરારમાં લેવા અને નહીં આપો તો લેવામાં આવશે નહીં. બે જણાએ કબૂલાત કરી તેમને ટર્મીનેટ કર્યા છે. હજુ આગળ તપાસ ચાલુ છે. ફાયર ચેરમેન તો કંઇ જાણતા પણ નથી. કર્મી બીમાર છે એ અમને જણાવે તો ના. મુખ્યમંત્રી મહેસાણાના હોઇ તેમને સારવાર માટે કહી શકીએ. પણ પૈસા ઉઘરાવાના ક્યાં આવે જ છે? > વર્ષાબેન પટેલ, પ્રમુખ નગરપાલિકા
નગરપાલિકામાં હાલમાં 11 મહિનાના કરારથી કોઇ કર્મચારી લેવાના જ નથી
નગરપાલિકામાં હાલ 11 માસના કરાર હેઠળ કોઇ કર્મચારીને લેવાની વિચારણા નથી અને પાલિકા બોર્ડમાં આવો કોઇ ઠરાવ પણ કરાયો નથી. આગામી સમયમાં સરકારની ગાઇડ લાઇન આવે તો વિચારીશું. અત્યારે તો જૂના પાંચેક વર્ષથી ફરજમાં છે એ જ કર્મચારીઓ છે. હાલમાં કરારમાં કર્મીઓને લેવાના નથી. તેમ કારોબારી ચેરમેન કૌશિક વ્યાસે જણાવ્યું હતું.
એજન્સીને બે કર્મીને છૂટા કરી અન્ય બેને મૂકવા સૂચના આપી
ફાયરના આઉસ સોર્સિંગ કર્મીઓ ઉઘરાણા મામલે એક કર્મીને કેન્સર હોઇ સારવાર માટે, કર્મીઓના હિતાર્થે જેવા કારણો આપતાં પૂછપરછમાં જણાવ્યું છે. જેમાં બે કર્મીઓને છૂટા કરી અન્યને રાખવા એજન્સીને સૂચના આપી છે તેમ ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતું.
કાયમી ભરતી માટે 14મીએ પરીક્ષા હોઇ પછી હંગામીને છૂટા કરાઇ શકે છે
મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગની વિવિધ કેડરમાં સરકારીરાહે કાયમી ભરતી કરવા માટે ચાલતી પ્રક્રિયામાં યુનિવર્સિટી દ્વારા ઉમેદવારોની શારીરિક કસોટી લેવાઇ છે. જેમાં પાસ થયેલા 38 ઉમેદવારોની હવે 14 ઓગસ્ટના રોજ નાગલપુર કોલેજ ખાતે લેખિત કસોટી યોજાશે. આ પરીક્ષાના પરિણામમાં મેરિટમાં આવનાર ઉમેદવારોની કાયમી ભરતી થવાનું નિશ્ચિત મનાય છે. એટલે, હાલ ફાયર વિભાગમાં એજન્સી મારફતે હંગામી નોકરી કરતાં કર્મચારીઓની જરૂરિયાત નહીં રહેતાં છુટ કરાશે તેવા સંકેતો આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.