નંદાસણના ડાંગરવા ગામે છોટા હાથીએ પાંચ વર્ષની બાળકીને હડફેટે લેતા બાળકીનું મોત થયું હતું. નંદાસણમાં વાહનચાલકો પુરઝડપે હંકારતા અનેક વાર જોવા મળી રહ્યા છે ત્યારે આવા પુર ઝડપે હંકારનારા સામે પોલીસ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં ન આવતા અનેક નાના મોટા અકસ્માતોની ઘટના બની રહી છે. જેમાં અનેક પરીવારના લોકોના જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે નંદાસણના ડાંગરવા ગામમાં પાંચ વર્ષની બાળકીને છોટા હાથી પિકઅપ ડાલાના ચાલકે પુર ઝડપે હંકારી હડફેટે લેતા બાળકીનું મોત થયું છે.
નંદાસણના ડાંગરવા ગામમાં રહેતા વીરસંગજી કેશુજી ડાભીની દીકરી ભૂમિકાનું અકસ્માતમાં મોત થયું છે. બાળકીના માતા-પિતા ગામમાં મજૂરી એ ગયેલા અને સાંજે ગામમાં આવેલી દૂધની ડેરી આગળ ઊભા હતા ત્યારે સાંજના આશરે સાડા સાતેક વાગ્યે જાણવા મળ્યું કે, ગામમાં આવેલા સરકારી દવાખાનાની સામે રોડ ઉપર છોટા હાથી વાહનથી તેમની દીકરી ભૂમિકાનું અકસ્માત થયો છે. જેથી તાત્કાલીક ધોરણે સરકારી હોસ્પિટલ ખાતે આવી ગયા હતા. ત્યાં હાજર રહેલા વ્યક્તિઓ દ્વારા જાણવા મળ્યું કે બાળકીને છોટાહાથી પિકઅપ ડાલા નંબર GJ 02 ZZ 1470ના વાહન ચાલકે પુર ઝડપે હંકારી બાળકીને શરીર ઉપર ઈજાઓ પહોંચાડી હતી.
આ ઘટનાને લઈ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે, ગામના યુવાનોએ ભેગા મળીને બાળકીને નંદાસણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જે બાદ બાળકીને નંદાસણ સરકારી હોસ્પિટલ ખાતેથી વધુ સારવાર માટે કડીમાં આવેલી ભાગ્યોદય હોસ્પીટલ ખાતે લાવવામાં આવી હતી. પરંતું શરીરના ભાગે વધારે ઈજાઓને કારણે બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બાળકીની લાશને પી.એમ અર્થે નંદાસણ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. આ પુરઝડપે હંકારનાર છોટા હાથી વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાળકીના મોતથી સમગ્ર પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.