તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયક્લોનિક સિસ્ટમ:મહેસાણામાં રાત્રે ગાજવીજ સાથે પોણો ઇંચ વરસાદ

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોઢેરા અંડરપાસ સર્વિસ રોડ, અર્બન રોડ, ગોપીનાળા સહિતના સ્થળે પાણી ભરાયાં. - Divya Bhaskar
મોઢેરા અંડરપાસ સર્વિસ રોડ, અર્બન રોડ, ગોપીનાળા સહિતના સ્થળે પાણી ભરાયાં.
  • આજે મહેસાણા સહિત ઉ.ગુ.માં ગાજવીજ અને પવન સાથે અઢી ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે
  • હિંમતનગરમાં 2 કલાકમાં પોણો ઇંચ, બહુચરાજીમાં 3 મીમી વરસ્યો, અંબાજીની અર્જુની નદીમાં પાણી આવ્યું

મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોને જોડતી સાયક્લોનિક સિસ્ટમના કારણે મહેસાણા જિલ્લામાં શુક્રવાર દિવસભરના ઉકળાટ અને ગરમી બાદ રાત્રે 7.30 વાગે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પંદર મિનિટ બાદ ભારે ગાજવીજ સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. જેમાં મહેસાણામાં પોણો ઇંચ (19 મીમી) અને બહુચરાજીમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. મહેસાણા શહેર અને તાલુકા સાથે કડી, ઊંઝા, વિસનગર અને વિજાપુર તાલુકાના કેટલાક ગામડામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.

મહેસાણા શહેરમાં ઝાપટું પડતાં મોઢેરા રોડ અંડરપાસના સર્વિસ રોડ શિલ્પા ગેરેજથી રાજકમલ પેટ્રોલ પંપ તરફ જતા રસ્તામાં પાણી ભરાઈ રહેતાં વાહન ચાલકોને અંધારામાં પસાર થવામાં મુશ્કેલી સર્જાઇ હતી. અહીં ચાર રસ્તા આંબાવાડી તરફના સર્વિસ રોડ આગળ જ પાણીમાં ખાડો હોય બાઈક અને ગાડીઓ ફસાઈ પડતાં લોકોને ધક્કા મારીને બહાર કાઢજી પડી હતી. ગોપીનાળામાં પણ બંને ભાગમાં પાણી ભરાઈ ગયું હતું.

જ્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 2 કલાકમાં પોણો ઇંચ અને પોશીનામાં 5 મીમી વરસાદ થયો હતો. પુરાલમાં પવન સાથે વરસાદ પડતાં ઝાડ, વીજપોલ ધરાશાયી હતા.મકાનોનાં પતરાં ઊડ્યાં હતાં. અંબાજી પંથકમાં ભારે વરસાદને લઇ દાંતા નજીકની પેથાપુર અર્જુની નદીમાં પણ વરસાદી પાણી આવ્યું હતું.

આજે ચાર જિલ્લામાં વરસાદની શક્યતા
ઉ.ગુ.માં તા.20 થી 25 જૂન વચ્ચે ચોમાસાના દસ્તકની શક્યતા વચ્ચે છેલ્લા બે દિવસથી પ્રિ-મોનસૂન એક્ટિવીટી વધી છે. હવામાન વિભાગ મુજબ, શનિવારે ઝરમરથી માંડી અઢી ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાને બાદ કરતાં ચારેય જિલ્લામાં વરસાદની શક્યતા છે. શુક્રવારે મુખ્ય 5 શહેરોમાં ગરમી 38.5 થી 39.6 ડિગ્રીની વચ્ચે રહી હતી. જેને લઇ દિવસભર ગરમી અને ઉકળાટ અનુભવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...