મહેસાણા હાઇવે પર પાલાવાસણા આરટીઓ કચેરી પાછળ રૂ. 23.05 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા પ્રાદેશિક તાલીમ કેન્દ્રમાં સ્પીપા અમદાવાદના મહાનિર્દેશક આર.સી. મીણાના અધ્યક્ષ સ્થાને યુપીએસસી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2022-23ના તાલીમ વર્ગોનો પ્રારંભ કરાયો છે. જેમાં સ્પીપાની પ્રવેશ પરીક્ષા પાસ કરેલા 53 વિદ્યાર્થીઓએ તેમની સ્પર્ધાત્મક કારકિર્દીના શ્રીગણેશ કર્યા છે. જેમને મહેસાણા પ્રાદેશિક તાલીમ કેન્દ્રની ટીમે આવકારી શુભેચ્છા પાઠવી હતી અને તાલીમ અંગે જરૂરી સૂચના આપી હતી.
અમદાવાદ ખાતે યોજાયેલા શુભારંભ કાર્યક્રમમાં સ્પીપાના મહાનિર્દેશક આર.સી.મીણા, ડેપ્યુટી ડીજી, પ્રભવ જોશી, લલીત નારાયણ અને એકેડમીના વાઈસ પ્રેસિડેન્ટ મૃણાલ પટેલ, સ્પીપાના કોર ફેકલ્ટી બ્રિજેશ પટેલ, સંયુક્ત નિયામક જયમીન પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, મોટીવેશન આપી સફળતાના શિખરો સર કરવા શીખ આપી હતી.
ઉલ્લેખનિય છે કે, ઉ.ગુ.ના 5 જિલ્લાના અધિકારી- કર્મચારીઓને તાલીમ આપવા મહેસાણા ખાતે 1974માં પ્રાદેશિક તાલીમ કેન્દ્ર બહુમાળી ભવનમાં શરૂ કરાયું હતું. પાલાવાસણા આરટીઓ કચેરી પાછળ નવનિર્મિત સેન્ટરનું ગત 9 ઓક્ટોબરે વડાપ્રધાને ઉદઘાટન કર્યું હતું. આ સેન્ટરમાં 500 વિદ્યાર્થીઓ એકસાથે તાલીમ મેળવી શકે તેવા અદ્યતન સ્માર્ટ ક્લાસ સાથે ભાઇઓ, બહેનો માટે 80ની કેપીસીટી વાળી અદ્યતન હોસ્ટેલ, 6 ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, રીડીંગ રૂમ, લાઇબ્રેરી, ઇ-લાઇબ્રેરી અને વાઇ-ફાઇ સુવિધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.