ફિયાસ્કો:મહેસાણા સિવિલમાં અસુવિધા મુદ્દે કોંગ્રેસીઓના ધરણાંનો ફિયાસ્કો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 ડિસેમ્બરે શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિતે ધરણાંની ચીમકી આપી હતી
  • પોલીસે પરવાનગી નહીં આપતાં ધરણાં ન કરાયાં : શહેર મહિલા પ્રમુખ

મહેસાણા શહેર કોંગ્રેસના આગેવાનોએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની અસુવિધા બાબતે 16 ડિસેમ્બરે ધરણાં કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જો કે, ગુરૂવારે સવારે સિવિલ કેમ્પસમાં કે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે એકપણ કોંગ્રેસી નેતા નહીં ફરકતાં ધરણાં કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. પોલીસે ધરણાંની પરમિશન નહીં આપતાં શુક્રવારે કલેક્ટરને રજૂઆત કરવાનો નિર્ણય કરાયો હોવાનું જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડ, એમઆરઆઈ મશીન સહિતની અનેક સુવિધાના અભાવે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે.

તેથી શહેર મહિલા કોંગ્રેસના ડો. મેઘા પટેલ, જયદિપસિંહ ડાભી, ઘનશ્યામ સોલંકી, ભૌતિક ભટ્ટ, રણજીતસિંહ ઠાકોર, મુકેશ પટેલે 16 ડિસેમ્બરે ધરણાં કરવાની ચીમકી આપી હતી. જો કે, ગુરૂવારે ધરણાં કરવા કોંગ્રેસના એકપણ નેતા ફરક્યાં નહોતા. શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ ડો.મેઘાબેન પટેલને પૂછતાં એ ડિવિઝન પોલીસે પરમિશન નહીં આપતાં ધરણાંનો કાર્યક્રમ મોકુફ રખાયો હોવાનું જણાવ્યું હતું.

જ્યારે ઓમિક્રોન વેરીએન્ટ, કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને લઈ, મહેસાણા શહેરમાં આજુબાજુની વસ્તી ખરીદી કરવા આવતી હોવાથી મુખ્ય બજારમાં ટ્રાફિક વધુ રહેતો હોવાના કારણે ધરણાં કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી નહીં હોવાનું એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...