આયોજન:ગોઝારિયા-પાટણ હાઇવેમાં જમીન સંપાદન મામલે ખેડૂતો કોર્ટમાં જશે

મહેસાણા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 ગામના ખેડૂતોની બેઠકમાં ઉકેલ ના આવે તો હાઇકોર્ટ જવા નિર્ણય

ગોઝારિયા-પાટણ નેશનલ હાઇવે માટે જમીન સંપાદનને લઇ શનિવારે 7 થી વધુ ગામના ખેડૂતોએ 2 વકિલો સાથે બેઠક કરી જમીન સંપાદનનું કાયદાકીય જ્ઞાન મેળવ્યું હતું. બેઠકમાં પ્રાંતે 140થી વધુ વાંધા અગ્રાહ્ય રખાયા મામલે કલેક્ટરને રજૂઆત કરવાનો તેમજ ઉકેલ નહીં આવે તો હાઇકોર્ટમાં જવાનો નિર્ણય લીધો હતો.

મહેસાણા નજીકના આચાર્યફાર્મ ખાતે શનિવાર બપોરે ગોઝારિયા-પાટણ નેશનલ હાઇવે નં.68માં જમીન સંપાદનને લઇ ગીલોસણ, અલોડા, દેદિયાસણ, હેડુવા રાજગઢ, હેડુવા હનુમંત, કુકસ અને ગોઝારિયા સહિત 7થી વધુ ગામના ખેડૂતોએ વકિલ પ્રકાશભાઇ શાહ અને અંકિતભાઇ આચાર્ય સાથે બેઠક યોજી હતી.

વકિલ અંકિતભાઇએ જણાવ્યું કે, ખેડૂતોને 2013ના જમીન સંપાદનના કાયદાથી અવગત કરાયા હતા. સામે ખેડૂતોએ જણાવ્યું કે, મહેસાણા બાયપાસ માટે 2009માં 60 મીટર જમીન સંપાદન કરી ચૂકાઇ છે. જે આજે પણ પડી રહી છે તો નવી 45 મીટરની જમીન સંપાદન કયા કારણથી કરાવા નિર્ણય લીધો છે તેનો જવાબ મળતો નથી.

નેશનલ હાઇવેમાં જમીન સંપાદનને લઇ 140થી વધુ ખેડૂતોએ પ્રાંત ઓફિસર સમક્ષ વાંધા રજૂ કર્યા હતા. જે તમામ વાંધા કોઇપણ કારણ દર્શાવ્યા વગર અગ્રાહ્ય રાખ્યા છે. બેઠકના અંતે આ મામલે સૌપ્રથમ કલેક્ટરને રજૂઆત કરવાનો અને તેમ છતાં ઉકેલ ન આવે તો ન્યાય માટે હાઇકોર્ટ જવા ખેડૂતોએ નક્કી કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...