ખેડૂતો આકરા મૂડમાં:સતલાસણમાં તારંગા-અંબાજી-આબુ રોડની નવી રેલ લાઈનમાં જમીન સંપાદનનો ખેડૂતોએ વિરોધ કર્યો, સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી આવેદન પાઠવ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અસરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકોએ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી

મહેસાણા જિલ્લાના સતલાસણા પંથકમાંથી નીકળતી તારંગા અંબાજી આબુરોડની નવીન રેલ લાઈનને લઈ થઈ રહેલી જમીન સંપાદનની પ્રક્રિયાનો વિરોધ થઈ રહ્યો છે. આ મામલે સતલાસણામાં આવેલી પટેલ વાડી આગળ 13 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકો એકત્રિત થયા હતા, ત્યાંથી બેનર સાથે 'રેલવે હટાવો જમીન બચાવો' ના સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી કાઢી હતી. ખેડૂતો રેલી સ્વરૂપે એપીએમસી થઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.
મામલતદારને રજૂઆત કરાઈ
આ રેલી દરમિયાન મહિલાઓની વિશેષ હાજરી જોવા મળી હતી. અસરગ્રસ્ત ખેડૂતોએ અહીં મામલતદારને આવેદન આપીને પોતાની મહામુલી ખેતી લાયક જમીનના ટુકડા થઈ જતા આજીવિકા છીનવાઈ જવા તેમજ ખેડૂતોનો દરજ્જો ગુમાવવાનો વ્યક્ત કરતી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં અસરગ્રસ્ત ખેડૂતોના જણાવ્યાં પ્રમાણે સતલાસણા તાલુકામાં કોઈ ઉદ્યોગ અને ધંધા ન હોવાથી લોકો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે. ત્યારે ખેતી ચાલી જશે તો બોળકો રસ્તા પર આવી જશે અને પશુઓનો નિર્વાહ ચલાવવો મુશ્કેલ બની જશે. નાના ખેડૂતોની ખેતી લાયક જમીનમાં વચ્ચોવચ રેલ લાઈન નાખવાથી પાણીના બોર બંધ થવાથી પશુપાલન માટે ઘાસચારો મેળવવામાં હાલાકી થતાં અસરગ્રસ્ત ખેડૂતોના કુટુંબોને હિજરત કરવાનો વારો આવશે.
રેલવે લાઈનથી થતા નુકસાનને અટકાવવાની માગ
​​​​​​​
આ મુદ્દે નવીન રેલવે લાઈનથી થતા નુકસાનને અટકાવવા કાયમી ધોરણે પ્રક્રિયા બંધ કરવાની માગ કરી છે. તેમજ જો ખેડૂતોની માંગણી સંતોષવામાં નહીં આવે તો સતલાસણા પંથકના 13 ગામના ખેડૂતો આંદોલન કરી આગામી સમયમાં આવનાર તમામ ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...