મહેસાણા જિલ્લામાં આવેલા છેવાડાના તાલુકો એટલે કે સતલાસણા ખેરાલુ તાલુકામાં લાંબા સમયથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે આ મુદ્દે તાલુકાના 30થી વધુ ગામડાઓએ 'પાણી નહીં તો મત નહીં' ના બોર્ડ મારી ચૂંટણી બહિષ્કાર કરી દીધો છે. ત્યારે હાલમાં ગામડે ગામડે સભાઓ મળી રહી છે. જ્યારે આવતીકાલે સતલાસણા અને ખેરાલુ તાલુકાના ખેડૂતો સુદાસણાથી ડભાડથી મંડાલી સુધી 'પાણી નહીં તો મત નહીં'ની બાઈક રેલી કાઢશે.
સતલાસણા તાલુકાના સુદાસણા ગામથી મેવાડ સહિત આગેવાનો ઉપસ્થિત રહી કાલે વહેલી સવારે સુદાસણા ગામે ભેગા મળી સતલાસણા તાલુકાના કેટલાક ગામોમાં બાઈક રેલી સ્વરૂપે ફરી ડભાડા ગામ પહોંચશે. જ્યાં આગળ ખેરાલુ તાલુકાના ખેડૂતો જોડાશે ત્યાંથી તાલુકાના ગામેગામ રેલી સ્વરૂપે બાઈક રેલી યોજાશે.
હાલમાં આ મામલે તાલુકાના તમામ ગામડાઓમાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે ખેડૂતોના નામે કેટલાક લોકો સતલાસણા અને ખેરાલુ તાલુકામાં પાણીના પ્રશ્ન સુલજવા પોતાના પૈસા ખર્ચ કરી રાજકારણમાં પગ જમાવવા પોતાની તાકાત જમાવી રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણી લડવા તૈયારી પણ બતાવી રહ્યા છે. જોકે, હાલમાં સતલાસણા ખેરાલુ તાલુકામાં પાણીના ગંભીર પ્રશ્નને લઇ અને ચૂંટણી બહિષ્કારને લઈને સત્તાધારી પક્ષ અને સ્થાનિક અધિકારીઓ ચિતામાં મુકાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.