તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મબોધ:મિથ્યાત્વ મોહ એટલે સત્યથી તદ્દન વિપરીત ઉંધી ઉંધી માન્યતાની જોરદાર પકડ : જૈનાચાર્ય

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં આચાર્યશ્રી જયસુંદર સૂરીશ્વરજી મ.સા.નું પ્રવચન

મહેસાણા ઉપનગર જૈન સંઘમાં શનિવારના પ્રેરણામૃતમાં પ્રવચનકાર આચાર્યશ્રી જયસુંદર સૂરીશ્વરજી મ.સા.એ કહ્યું કે, કલિકાલસર્વજ્ઞ બિરુદવાળા ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જેમના નામથી ઓળખાય છે તે ગુજરાતના અજોડ સાહિત્યકાર જૈન આચાર્ય હેમચંદ્રસૂરિજી મહારાજે યોગશાસ્ત્ર નામનો વિરાટ ગ્રંથ રચ્યો છે. પૂજ્યશ્રીએ મિથ્યાત્વમોહનીય કર્મબન્ધના હેતુ રૂપે એક ધ્યાન ખેંચે એવો મુદ્દો રજુ કર્યો છે. સર્વ દેવતાઓનો અવર્ણવાદ-નિંદા કરવાથી મિથ્યામોહનું બંધન ગળે પડે છે. મિથ્યાત્વ મોહ એટલે સત્યથી તદ્દન વિપરીત ઉંધી ઉંધી માન્યતાની જોરદાર પકડ.

જગતમાં ધર્મના નામે અનેક પંથો, વિભિન્ન મતો, વિવિધ સંપ્રદાયો, અગણિત શ્રદ્ધાકેન્દ્રો અસ્તિત્વમાં છે. દરેકની ઉપાસના પદ્ધતિ એકસરખી હોતી નથી. તેમજ દરેકના ઉપાસ્ય માનનીય તત્વો પણ એકસરખા નથી હોતા. દરેકની માન્યતા, દરેકના આચાર વિચારો, દરેકના શાસ્ત્રો કે ગ્રંથો પણ જુદા હોય છે. તેવી પરિસ્થિતિમાં, સ્વથી અન્ય સંપ્રદાયોના જુદા જુદા અનેક રામ, કૃષ્ણ, શિવ, વિષ્ણુ વગેરે દેવો ઉપાસ્ય કક્ષામાં હોય છે. જો તેમાંથી કોઈ એકની તમે જાહેર નિંદા, અપમાન, ઘસાતું બોલવાનું સાહસ કરો તો સમગ્ર સંપ્રદાય તમારો વિરોધી અને વૈરી બન્યા વગર ન રહે.

આપણે સૌ સમજીએ છીએ કે કેટલાક ધર્મો હિંસામાં માનતા હોય છે. બલિપ્રથામાં માનતા હોય છે. કેટલાક ધર્મો આ તો હલકી કોમવાળા એમ સમજી તેમને અસ્પૃશ્ય માનતા હોય છે. કેટલાક એનો વિરોધ કરે છે. દુનિયામાં બધા જ પરસ્પર વિરોધી ધર્મોમાં ન તો ઐક્ય સંભવ છે, ન તો બધાને સમાન માનવાનું સંભવ છે.

કારણ કે, હિંસાપ્રેરક ધર્મ અને હિંસાવિરોધી ધર્મએ બંને પ્રત્યે ગોળ અને ખોળ સરખો એવો સમભાવ અશક્ય છે. તેમ છતાં તેમના દેવ વગેરે ઉપાસ્યોની નિંદા કૂથલી કરવામાં બહુ મોટું જોખમ છે. એટલે જ જૈન ધર્મના આરાધકો સર્વધર્મ સમભાવ નહીં પણ સર્વધર્મી (જે તે ધર્મના ઉપાસકો) પ્રત્યે સમભાવ રાખવાની પ્રેરણા જરૂર કરે છે કે જે શક્ય પણ છે. સર્વધર્મી સમભાવથી જ વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાકાર થશે.

અન્ય સમાચારો પણ છે...