તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર રિયાલિટી ચેક:કુકરવાડા અને કલ્યાણપુરામાં હોસ્પિટલ જેવી સુવિધા,ઓક્સિજન બેડ અને દવા ફ્રી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારુ ગામ કોરોનામુક્ત ગામ કોવિડકેર સેન્ટર ક્યાંક કામના, ક્યાંક નામના
  • વસઇમાં એક જ દર્દી આવ્યું, ડાભલા સ્કૂલમાં દર્દી વિના ખાલીખમ

રાજ્ય સરકારના મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન અંતર્ગત ગામે ગામ કોવિડ કેર સેન્ટર ઊભાં કરાયાં છે. વિજાપુર તાલુકામાં 454 બેડની સુવિધા સાથે 78 કોવિડ કેર સેન્ટર શરૂ કરાયાં છે, અહીં હોમ આઇસોલેટ થયેલા 1000 દર્દીઓ પૈકી 45 દર્દીઓ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે.

ગ્રાઉન્ડ રિયાલિટી ચેકમાં વિજાપુર તાલુકાના કુકરવાડા અને કડી તાલુકાના કલ્યાણપુરામાં ઓક્સિજન બેડ સાથે હોસ્પિટલ જેવી સુવિધા હોઇ 15થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. વસઇમાં અત્યાર સુધી એક દર્દી આવ્યું છે, તો બાજુના ડાભલા ગામની સ્કૂલમાં ગાદલા પાથરી દેવાયા છે, પણ દર્દી હજુ સુધી આવ્યું નથી.

કલ્યાણપુરામાં 25 ઓક્સિજન બેડનું ઓઈસોલેશન સેન્ટર, 11 સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થયા
ધંધા- રોજગાર અર્થે અમદાવાદમાં સ્થાયી થયેલા કડી તાલુકાના કલ્યાણપુરા ગામના રહીશો કોરોના મહામારીમાં વતનનું ઋણ ચુકવવા મદદે આવ્યા છે. તેમણે દાન આપી સ્થાનિક લોકો અને દાતાઓની મદદથી ગામની કલ્યાણ વિદ્યાલયમાં 25 બેડની સુવિધા સાથેનું આઈસોલેશન સેન્ટર 24 એપ્રિલથી શરૂ કર્યું છે. અહીં દર્દીને રહેવા, જમવા તેમજ દવા પણ ફ્રી અપાય છે. અત્યાર સુધીમાં 11 દર્દીઓ સ્વસ્થ થયા છે. યુવા કાર્યકરો કોરોના સંકટમાં સંકટમોચક બન્યા હોવાનું સરપંચ કિરીટ પટેલે જણાવ્યું હતું.

કુકરવાડા : મનોબળ વધારવા સવારે યોગ અને સાંજે ધ્યાન
કુકરવાડામાં એપ્રિલ મહિનામાં સંક્રમણ વધતાં ગામના યુવાનોએ કોલેજમાં 18 એપ્રિલથી 25 ઓક્સિજન બેડ સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. દિવસમાં બે સમય ચા-નાસ્તા સાથે જમવાનું અપાય છે. અત્યાર સુધીમાં 51 પૈકી 32 દર્દી સાજા થયા છે. 2 દર્દીને રીફર કરાયા છે. સેન્ટરનો તમામ ખર્ચ ગામના દાતા ભોગવી રહ્યા છે. તબીબી સેવા સરકારી દવાખાનાના તબીબો પૂરી પાડે છે. હાલ 100 જેટલા એક્ટિવ કેસ છે. તેની સામે 17 દર્દી કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. દર્દીઓનું મનોબળ બની રહે તે માટે સવારે યોગ અને સાંજે ધ્યાનની પ્રવૃતિ કરાવાય છે.

વસઇ અને ડાભલા ગામમાં 47 એક્ટિવ કેસ, પણ બેડ ખાલી
વસઇ સ્કૂલમાં 10 બેડની સુવિધાવાળું કોવિડ કેર સેન્ટર છે. પણ અત્યાર સુધીમાં માત્ર એક જ દર્દી સારવાર માટે આવ્યું છે. મંગળવારે ખુલ્લું તો હતું, પરંતુ તમામ બેડ ખાલી જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...