તપાસ:અંબાસણમાં વિદેશી દારૂના કટિંગનો પર્દાફાશ

આંબલિયાસણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4.36 લાખનો દારૂ, 3 વાહનો અને મોબાઇલ સાથે એક પકડાયો, 3 ફરાર
  • લાંઘણજ પોલીસે બાતમી આધારે ત્રાટકતાં બુટલેગરોમાં નાસભાગ મચી

મહેસાણાના અંબાસણની સીમમાંથી રાત્રે દારૂનું કટિંગ થતું હોવાની પોલીસને બાતમી મળતાં રેડ કરી 4.36 લાખના દારૂ સાથે કુલ 8.91 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

પોલીસની રેડથી બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી. લાંઘણજ પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.ડી.ચાવડા, લીંચ આઉટ પોસ્ટના હે.કો ચિરાગ રાઠોડ, હે.કો. તરૂણસિંહ સહિતના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે ભાસરિયાના શખ્સ દ્વારા અંબાસણ ગામથી મોદીપુર તરફ માર્ગ પર આવેલ બી.એસ.એફના કેમ્પની સામે ગામની સીમમાં ઉતારેલા દારૂનું કટિંગ કરી ડાલા સહતિના 3 વાહનો દ્વારા અન્ય જગ્યાએ લઇ જવાના છે.

તેવી જાણ થતાં પી.એસ.આઇ. તેમના સ્ટાફ સાથે સોમવારે રાત્રે રેડ કરતાં સ્થળ પરથી બોલેરો તેમજ મહિન્દ્રા સુમો, તેમજ મારુતિમાં ભરેલ જુદી જુદી બનાવટની કુલ 1164 વિદેશી દારૂની બોટલ મળી હતી. તેમજ સ્થળ પરથી દારૂની ગાડીની દેખરેખ માટે ઠાકોર રાજૂજી બેચરજી ઝડપાયો હતો.આ વાહનો પૈકી ડાલામાં નકલી નંબર પ્લેટ લગાવેલી મળી હતી.

પોલીસે ઝડપાયેલ રાજૂજીની કડક પૂછપરછ કરતાં આ વિદેશી દારૂ ભાસરિયાના ઠાકોર વિરસંગજી મોનાજી, ઠાકોર જયંતીજી દાનાજી તેમજ રાવળ અશોકભાઈ ચંદુભાઈ દ્વારા આ દારૂનું મોડી રાત્રે કટિંગ કરવા માટે મૂક્યું હોવાની કબૂલતાં પોલીસે 4,36,500નો દારૂ સાથે ડાલું, મહિન્દ્રા સુમો,કાર,મોબાઈલ મળી કુલ 8,91,500નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસે અશોક ચંદુભાઇ રાવળ, જયંતીજી દાનાજી ઠાકોર, વિરસંગજી માંનાજી ઠાકોર તથા રાજુજી બેચરજી ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...