મોંઘવારીનો ભાર:સ્કૂલ યુનિફોર્મ, સ્ટેશનરી, વાન, બેગ-બુટ 10થી 40% મોંઘાં થતાં ખર્ચ વધ્યો

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવું શૈક્ષણિક સત્ર વાલીઓ માટે મોંઘવારીનો ભાર લઇને આવ્યું
  • ​​​​​​​સ્કૂલ ટ્યુશન ફી સિવાય બાળકે ‌ખર્ચમાં રૂ. 1500 થી 1700નો વધારો

સોમવારથી શરૂ થતું નવું શૈક્ષણિક સત્ર બાળકોના વાલીઓ માટે મોંઘવારીનો ભાર લઇને આવ્યું છે. યુનિફોર્મ, સ્ટેશનરી, સ્કૂલવાન, બેગ, બુટ સહિતની દરેક ચીજ વસ્તુના ભાવ 10થી 40% વધ્યા છે. કાગળના ભાવની અસર નોટબુક અને ચોપડા ઉપર, તો સીએનજી, ડીઝલના ભાવની અસર સ્કૂલરિક્ષા, વાન અને બસનાં ભાડાંમાં દેખાશે.

ખાનગી શાળાની ટ્યૂશન ફી સિવાય બાળકનાં શિક્ષણ પાછળ વાલીએ ચીજવસ્તુઓની ખરીદીમાં સરેરાશ રૂ.1500થી 1700 વધુ ખર્ચ ભોગવવો પડી રહ્યો છે. ઉપરાંત, એફઆરસીમાં ખાનગી પ્રાથમિક શાળામાં રૂ. 15 હજાર, માધ્યમિક અને ઉ.મા. (સા.પ્ર.)માં રૂ.25 હજાર, સાયન્સમાં રૂ.27 હજાર ફી અલગ. એમાંયે કેટલીક સ્કૂલોએ વધુ સુવિધાના ખર્ચની એફઆરસી મંજૂરી મેળવીને આ નિયત ફી કરતાં ઊંચી ફી લાગુ કરેલી છે.

ધો.12માં ભણતા વિદ્યાર્થીના વાલી અલ્પેશભાઇ પટેલે કહ્યું કે, કોરોનામાં વ્યક્તિદીઠ આવક ન વધી એટલા મંદીના માહોલમાં શિક્ષણના ખર્ચા વધ્યા છે. શાળા, શિક્ષણ મટિરિયલના ભાવ ખરેખર મંદીમાં યથાવત રહેવા જોઇએ પણ વધ્યા છે. વાલીની આવકમાં ખાસ કોઇ વધારો નથી. ધો.12માં બે થી ત્રણ હજારનો ખર્ચ વધ્યો છે. મારી દ્રષ્ટીએ સરકાર, શિક્ષણ વિભાગે ભાવ યથાવત બાબતે વિચારવું જોઇએ.

એક બાળકના ભણતર પાછળ સરેરાશ ખર્ચ (રૂપિયા)

વિગતખર્ચ વધ્યો1 થી 4માં5 થી 8માં9 થી 12માં
સ્ટેશનરી700100015002200
ટ્રાન્સપોર્ટેશન3008009001400
યુનિફોર્મ150500650750
બેગ25070010001000
બુટ50-100300350400
લંચબોક્ષ,બોટલ50200200200
કુલ1500350046005950

સ્કૂલવાન-બસ - સીએનજી, ડીઝલ મોઘું થતાં ભાડું રૂ. 250-300 વધ્યું

શહેરમાં સોમવારથી એક હજારથી વધુ સ્કૂલરિક્ષા-વાન ફરતી થશે. ત્રણ વર્ષમાં સીએનજીના ભાવ પ્રતિ કિલો રૂ.50થી વધીને રૂ.82 સુધી પહોંચ્યા છે. જેથી માસિક સ્કૂલ રિક્ષાના ભાડા રૂ.500- 550થી વધીને હવે રૂ.800 થયા છે. સ્કૂલવાન ભાડા રૂ.600-650થી વધીને રૂ.900 થયાં છે. એવરેજ માસિક રૂ. 300 અને સ્કૂલ બસમાં રૂ.1200થી વધીને રૂ.1400 કરાયું છે.

નોટબુક - કાગળના ભાવ વધતાં નોટબુક, ચોપડાના ભાવમાં વધારો
અંગ્રેજી માટે ફોરલાઇન 140 પેજના ચોપડાનો ભાવ રૂ.35 હતો, તેમાં 20 પેજ ઓછા કરી 120 પેજનો ચોપડો થઇ ગયો અને ભાવમાં રૂ.10નો વધારો કરાતાં રૂ.45 ભાવ થયો છે. 172 પેજની નોટ રૂ.20માં મળતી તેના ભાવ રૂ.30 થયા. ખાનગી પ્રકાશનોએ ગાઈડો, સ્વાધ્યાયપોથી, પ્રેક્ટિસ બુક વગેરેના ભાવમાં 10 ટકાનો વધારો કર્યો છે.

સ્ટેશનરી - દરેક ધોરણમાં રૂ. 300 થી લઇ રૂ.1000 સુધી ખર્ચમાં વધારો
સ્ટેશનરીમાં નર્સરીથી લઇ ધોરણ 4 સુધી પહેલાં રૂ.600ના ખર્ચ સામે હવે રૂ.1000, ધો.5 થી 8માં રૂ.700-800ના બદલે રૂ.1500 અને ધોરણ 9 થી 12માં રૂ.1200-1300થી વધી રૂ. 2200-2300 વાલીએ ખર્ચવા પડશે. માત્ર પુસ્તકો, પેન્સિલ સિવાય તમામ સામગ્રીમાં ભાવ વધ્યા છે.

યુનિફોર્મ - કોટન, લેબરવર્ક મોઘું થતાં 35% મોંઘો થયો, ‌રૂ. 150 વધ્યા
​​​​​​​ધોરણ 1 થી 12માં પેન્ટ શર્ટ, ટાઇ, બેલ્ટના યુનિફોર્મનું ચલણ છે. છેલ્લા બે વર્ષમાં કોટન અને લેબરવર્ક મોઘું થતાં આ વર્ષે યુનિફોર્મ પાછળ રૂ.150 વધુ ખર્ચવા પડશે. નર્સરી, કેજી, ધો.1માં રૂ.350ના યુનિફોર્મના રૂ.500, ધો.6માં રૂ.500ના 650, ધો.9થી 12માં 600ના 750 થયા છે.

સ્કૂલબેગ
પહેલાં રૂ.500થી 700ની રેન્જમાં મળતી સ્કૂલ બેગમાં આ વર્ષે રૂ.200થી રૂ.300 ભાવ વધતાં રૂ.700થી 1000ના ભાવે વેચાઇ રહી છે.

ફૂટવેર
ફૂટવેરમાં જીએસટી 5 ટકાથી વધીને રૂ.12 ટકા કરાયો છે. જેની સીધી અસર બુટના ભાવમાં રૂ.50 થી 100નો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...