પૂર્વ પતિનો હુમલો:વિસનગરના પાલડી ગામે મૈત્રી કરારથી રહેતી યુવતી પર પૂર્વ પતિએ ધારીયા અને તલવાર વડે હુમલો કર્યો

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટની મુદ્દત પતાવીને ઘરે જતા સમયે યુવક-યુવતી પર હુમલો

વિસનગર પંથકમાં એક યુવતીને લગ્ન બાદ પોતાના પતિ સાથે મનમેળ ન બેસતા તેણે અન્ય યુવક સાથે મૈત્રી કરાર કરી લીધા હતા. બાદમાં પતિએ પત્ની સામે ફેમિલી કોર્ટમાં કેસ કર્યો હતો. જેની મુદ્દત માટે આવેલી પત્ની અને તેની સાથે રહેતો યુવક કોર્ટમાં આવ્યા હતા, બાદમાં કોર્ટનું કામ પતાવી ઘરે જતા સમયે મહિલાના પતિએ મૈત્રી કરાર કરનાર યુવક યુવતી પર હુમલો કર્યો હતો.

વિસનગર તાલુકામાં એક મહિલાના લગ્ન પંદર વર્ષ અગાઉ ચૌધરી હરેશ સાથે થયા હતા. બાદમાં પતિ પત્ની વચ્ચે મનમેળ ના બેસતા પત્નીને પાલડી ગામમાં રહેતા ચૌધરી અરવિંદ સાથે સંપર્કમાં આવ્યા બાદ ફરિયાદી મહિલા છેલ્લા પંદર મહિનાથી ચૌધરી અરવિંદ સાથે મૈત્રી કરાર કરી રહેતી હતી.

યુવતીના પતિએ સમગ્ર મામલે મહેસાણા ફેમિલી કોર્ટમાં કેસ કર્યો હતો, જેની મુદતમાં મૈત્રી કરનાર યુવતી અને તેની સાથે ચૌધરી અરવિંદ પણ કોર્ટમાં આવ્યા હતા. બાદમાં કોર્ટનું કામ પતાવી બંને ઘરે જવા નીકળ્યા હતા એ દરમિયાન પાલડી ફન પોઇન્ટ પાસે ચૌધરી હરેશ અને તેના સાગરીતે રોડ પર આવી તલવારો અને ધારીયા સાથે આવી બોલાચાલી કરી હતી.

આજ તમને પતાવી દેવા છે એમ કહી હરેશ ચૌધરીએ પોતાના હાથમાં રહેલી તલવાર તેની પત્નીના હાથે મારી હતી. તેમજ અરવિંદ ચૌધરીને તેના સાગરીતે પગના ભાગે ધારીયા વડે હુમલો કરતા બને ઇજાગ્રસ્ત બન્યા હતા. હોટેલ પાસે બંનેને લોહી લુહાણ હાલતમાં જોતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા બાદ સારવાર માટે બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં યુવતી હુમલો કરનારા ચૌધરી હરેશ અને ચૌધરી દિલીપ સામે હુમલો કરવા મામલે વિસનગર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...