કસુંબીનો રંગ:મેઘાણીજી ગુજરાતી સાહિત્યનું ગૌરવ છે એ વાતનો સૌ ગર્વ લે : મંત્રી વિભાવરીબેન દવે

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમમાં સાસંદ શારદાબેન પટેલ, અધિક કલેક્ટર સહિત સાહિત્ય પ્રેમીઓ હાજર રહ્યા
  • મહેસાણામાં ઝવરેચંદ મેઘાણીની 125મી જ્યંતીએ “કસુંબીનો રંગ” ઉત્સવ ઊજવાયો

રમતગમત યુવા, સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, શિક્ષણ તેમજ વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જ્યંતીની શનિવારે મહેસાણાના ટાઉનહોલમાં ઊજવણી કરાઈ હતી. જેમાં પ્રભારી મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, મેઘાણીજી એ માત્ર ગુજરાત કે પ્રત્યેક ગુજરાતીનું જ નહીં, પરંતુ ગુજરાતી સાહિત્યનું પણ ગૌરવ છે, એ વાતનો આપણે સૌએ ગર્વ લેવો જોઈએ. કાર્યક્રમમાં ઝવરેચંદ મેઘાણીના પ્રેરક જીવનના મેઘધનુષી રંગો દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દર્શાવાઇ હતી.

કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલ, અધિક કલેકટર આઈ.આર. વાળા અને સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગણપત યુનિવર્સિટીના સ્થાપક ગણપતભાઈ પટેલે અમેરિકાથી ઓનલાઇન જોડાઈ સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 28 ઓગસ્ટ,1896ના રોજ ચોટીલામાં જન્મ લેનાર ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ ચોટીલા, બરવાળા, રાજકોટમાં મેળવ્યું હતું. 1921માં નોકરી છોડી મૂળ વતન બગસરા પરત ફર્યા હતા.

સૌરાષ્ટ્રના પાંચાળના ગામડાઓ, કસ્બાઓ, ગીરના અડાબીડ જંગલો, નેસડાઓમાં રઝળપાટ કરી શૌર્યવાતો, બલિદાન, ત્યાગ, પ્રેમ, સમર્પણની વાતો, રાસડા, દુહા, લોકવાર્તાઓ શોધીને કલમ દ્વારા કથાઓને અક્ષરદેહ આપ્યો હતો. જે-તે સમયે લેખ અને કવિતાઓ દ્વારા દેશદાઝનો માહોલ ઉભા કરવાનું જો કોઈએ કામ કર્યું હોય તો તે ઝવેરચંદ મેઘાણીજી છે. સૌરાષ્ટ્રની રસધાર, રઢિયાળી રાત, કંકાવટી, માણસાઈના દીવા, સોરઠી સંતો, સોરઠી બહારવટિયા, સિંધૂડો, તુલસીક્યારો, યુગવંદના જેવા પુસ્તકો દ્વારા લોક સાહિત્ય, અને ગુજરાતી ભાષાના વાચકની તેમણે અવિસ્મરણીય સેવા કરી છે.

અન્ય સમાચારો પણ છે...