બગીચામાં સફાઇનો અભાવ:દર મહિને બિલાડી બાગ સંચાલન પાછળ રૂ. 1 લાખ ખર્ચ છતાં લાઇટ, કેમેરા, મ્યુઝિક સિસ્ટમ, RO બંધ

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાર્ડન સંચાલન અને નિભાવણીના કોન્ટ્રાક્ટમાં સફાઇના અભાવે યોગ સેન્ટર આસપાસ ઘાસ ઉગી નીકળ્યું
  • ત્રણ મહિનાનું​​​​​​​ બિલ હજુ ચૂકવાયું નથી, શરતોનું પાલન નહીં થાય તો વસૂલાત કરાશે : સી.ઓ

મહેસાણા પાલિકાના બિલાડી બાગ તરીકે ઓળખાતા મહાત્મા ગાંધી બાગના સંચાલન અને જાળવણી પાછળ મહિને રૂ. એક લાખ ખર્ચાઇ રહ્યા છે. પરંતુ આ બગીચામાં સફાઇનો અભાવ વર્તાઇ રહ્યો છે. બગીચો સુકાઇ રહ્યો છે તો યોગ સેન્ટર આગળ લોન કટીગના અભાવે ઘાસ ઉગી નીકળ્યુ છે. આવામાં બગીચામાં ટ્રેક પણ તૂટેલી હાલતમાં રહેતા વોકિંગ કરતાં નીકળતાં લોકોને પણ તકલીફો સર્જાઇ રહી છે.

ત્યારે પાલિકા તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા જાળવણીના અભાવે બગીચાની હાલત દુષ્કર હોવા અંગે ગુરુવારે નગરપાલિકામાં ચીફ ઓફિસર સમક્ષ વિપક્ષ કોંગ્રેસના સદસ્યોએ આક્રોશ વ્યકત કર્યો હતો. ચીફઓફીસર અલ્પેશભાઇ પટેલે કહ્યું કે, બગીચાનો વાર્ષીક કોન્ટ્રાક્ટ અપાયેલો છે. એજન્સીને ત્રણ મહિનાનું બીલ હજુ ચુકવ્યુ નથી. એજન્સી અને કર્મચારીઓને રૂબરૂ બોલાવીને ટેન્ડર શરતો મુજબ બગીચામાં કામ કરવા સૂચના અપાઇ છે. શરતોનું પાલન ન થયું હોય તો એજન્સીના બિલમાંથી વસૂલાત કરીશું.

શહેરના બિલાડી બાગમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ફૂલ છોડ જાળવણી, સિક્યુરિટી, માળી, બીગચા મેન્ટેન્સ, વેસ્ટ નિકાલ સાથે સંચાલન અને નિભાવણીનો કોન્ટ્રાક્ટ સાઇ એન્ટરપ્રાઇઝ એજન્સીને આપવામાં આવેલ છે. જેમાં દર મહિને રૂ. એકાદ લાખ બગીચા સંચાલન, નિભાવણી પાછળ કોન્ટ્રાક્ટમાં પાલિકા ખર્ચ કરતી હોય છે.

પરંતુ છેલ્લા એક મહિનાથી બગીચાની હાલત દુષ્કર બની હોવાની રાડ ઉઠી છે. લોન કટિંગ કરાતું ન હોઇ સ્કેટિંગ રિંગમાં ઘાસ ઉગી નીકળ્યું છે. ગટરના સંપથી ગંદા પાણી બહાર ફેલાય છે. વોકિંગના બ્લોક તૂટેલી હાલતમાં હોઇ ચાલવામાં લોકોને તકલીફ પડે છે. કેન્ટિન પણ બંધ હાલતમાં છે. ઝાડ-પાન કટિંગ ટ્રિમિંગ થતા નથી.

આ અંગે કોંગ્રેસના સદસ્યો દ્વારા ગુરુવારે નગરપાલિકામાં ચીફ ઓફિસર, પ્રમુખ સમક્ષ રજૂઆત કરાઇ હતી. જેને પગલે તાબડતોબ કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓને સ્થળ તપાસ કરીને યોગ્ય કરવા પ્રમુખે સૂચના આપી હતી. કોંગી સદસ્ય હાર્દિક સુતરીયાએ કહ્યું કે, અગાઉ પણ રજૂઆત કરાયેલી છતાં બગીચામાં ધ્યાન અપાતું નથી.

અન્ય સમાચારો પણ છે...