સેમિનાર:દરેક ઘરમાં વાસણ ખખડતા હોય, તે પછી ઉદ્યોગપતિ હોય કે કોઈ મોટા રાજકીય નેતાના : નીતિન પટેલ

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરવાળીને તમે મુખ્યમંત્રી હોય તો શું અને ગૃહમંત્રી હોય તો શું? કોઈ ફરક પડતો નથી
  • મહેસાણા જિલ્લા સહકારી સંઘમાં મહિલા સશક્તિકરણ સેમિનારમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું ઉદબોધન

મહેસાણા ખાતે શનિવારે જિલ્લા સહકારી સંઘ આયોજિત મહિલા વ્યવસાયિક વિકાસ અને મહિલા સશક્તિકરણ સેમિનારમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહિલાના સહયોગ વિના પ્રગતિ અશક્ય હોવાનું જણાવતાં કહ્યું કે, દરેક ઘરમાં વાસણ તો ખખડતા હોય, ગમે તેનું ઘર હોય, સમજી લેજો, કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ મોટા પ્રોફેસર હોય કે કોઈ રાજકીય નેતા હોય, કોઈ મંત્રી હોય કે કોઈ એમએલએ હોય, ઘર તે ઘર જ હોય ભાઈ, ઘરવાળીને તમે મુખ્યમંત્રી હોય તો શું? અને ગૃહમંત્રી હોય તો શું? હું યે તમને ભાષણ આપુ છું પણ મારેય ઘરે જવાબ આપવા પડે અને બધુંય લાવી દેવું પડે, અમારી પ્રગતિ અમારા ઘરવાળાએ ભોગ અને સહયોગ આપ્યો એટલે છે, મહિલાઓ વગર જીવન પણ અધૂરું છે અને પ્રગતિ પણ અધૂરી છે.

આ પ્રસંગે નીતિનભાઈ પટેલે ગાંધી જયંતી નિમિત્તે મહાત્મા ગાંધીજીનું સ્મરણ કરીને શ્રદ્ધાંજલી આપી હતી. કાર્યક્રમમાં સહકારી સંઘના અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ, માનદ મંત્રી કાનજી ચૌધરી, સાંસદ શારદાબેન પટેલ, ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન વિનોદ પટેલ, બહુચરાજી એપીએમસી ચેરમેન વિજય પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

નીતિન પટેલે મહિલા સશક્તિકરણ અંગે કહ્યું કે, પરિવારમાં સંસ્કાર સિંચન કરવા, દરેક સભ્યની કાળજી રાખવા સહિતની કામગીરી મહિલાઓની હોય છે. અમારી સફળતા પાછળ પત્નીનો સહયોગ છે. તેમણે આપેલા ભોગના કારણે જ સફળ થયા છીએ. તેથી સમાજ અને દેશને આગળ વધારવો હશે તો એકલા ભાઈઓને નહીં પરંતુ મહિલાઓને પણ પ્રોત્સાહન આપવું પડશે.

અન્ય સમાચારો પણ છે...