નેશનલ ફેમિલી હેલ્થ સર્વે:રાજ્યમાં દર પાંચમી દીકરી 18 વર્ષ પહેલાં પરણાવાય છે, સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં

મહેસાણાએક મહિનો પહેલાલેખક: હર્ષદ પટેલ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકાર દેશમાં યુવતીઓનાં લગ્નની લઘુતમ વય 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા જઈ રહી છે, ત્યારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5નાં તાજેતરના આંકડા ચોંકાવનારા છે. વિકસિત ગણાતા ગુજરાતમાં જ બાળલગ્નનું પ્રમાણ 21.8 ટકા નોંધાયું છે. એટલે કે દર પાંચમી દીકરીને 18 વર્ષ પહેલાં જ પરણાવી દેવામાં આવે છે. સરવેમાં ચિંતાજનક બાબત એ સામે આવી છે કે, કૂમળી વયે પરણાવ્યા બાદ 5.2 ટકા તો એવી કિશોરીઓ છે કે જે 15 થી 19 વર્ષની ઉંમરમાં જ બાળકની માતા બની ચૂકી છે.

આ સરવે મુજબ રાજ્યમાં સૌથી વધુ 32 ટકા બાળલગ્નો ઉત્તર ગુજરાતમાં નોંધાયાં છે. જ્યારે સૌથી ઓછાં 12.54 ટકા બાળલગ્ન સૌરાષ્ટ્ર-કચ્છમાં નોંધાયાં છે. બાળલગ્નો પાછળ કુરિવાજો, નિરક્ષરતા, અજ્ઞાન જેવાં પરિબળો કારણરૂપ છે. બીજું મુખ્ય કારણ મોંઘવારીમાં લગ્નનો ખર્ચ બચાવવા પરિવારમાં બે થી વધુ દીકરીઓ હોય તો મોટી દીકરી પરણાવવા લાયક થતાં જ તેની સાથે ઉંમર ન થઈ હોવા છતાં નાની દીકરીઓને પણ પરણાવી દેવાની માનસિકતા હોવાનો મત સમાજના આગેવાનો તેમજ સમાજશાસ્ત્રીઓનો છે.

જોકે, ગુજરાત માટે રાહતની બાબત એ છે કે, વર્ષ 2015- 16ના સરવે મુજબ બાળલગ્નનું પ્રમાણ 24.9 ટકા હતું, જે વર્ષ 2019-20માં 3% ઘટીને 21.8 ટકા થયું છે. એ જ પ્રમાણે 18 વર્ષ પહેલાં લગ્ન થયાં હોય તેવી કિશોરીઓ 15 થી 19 વર્ષમાં જ બાળકની માતા બની હોય તેનું પ્રમાણ 2015-16માં 6.5 ટકા હતું, જે 2019-20માં 1.3 ટકા ઘટીને 5.2 ટકા નોંધાયું છે. સૌથી વધુ 32% બાળલગ્ન ઉત્તરમાં સૌથી ઓછા 12% સૌરાષ્ટ્ર-કચ્છમાં 18 વર્ષથી પહેલાં લગ્ન થયાં હોય તેવી 20 થી 24 વર્ષની વર્ષની મહિલાઓ

ઉત્તર ગુજરાત જિલ્લો ટકાવારી

ગાંધીનગર32.60
મહેસાણા32.30
પાટણ35.40
બનાસકાંઠા37.30
સાબરકાંઠા27
અરવલ્લી27
કુલ31.93

મધ્ય ગુજરાત

અમદાવાદ17.50
વડોદરા17.50
આણંદ28.00
છોટાઉદેપુર27.50
દાહોદ29.90
ખેડા49.20
મહિસાગર30.70
પંચમહાલ34.10
કુલ29.96

દક્ષિણ ગુજરાત

સુરત13.10
ભરૂચ16.80
ડાંગ30.20
નર્મદા29.50
નવસારી15.70
તાપી25.30
વલસાડ19.40
કુલ21.42

સૌરાષ્ટ્ર-કચ્છ

રાજકોટ12.10
અમરેલી10.50
ભાવનગર18.00
બોટાદ13.00

દેવભૂમિ દ્વારકા

11.60

ગીર સોમનાથ

09.90
જામનગર06.80
જુનાગઢ11.20
મોરબી08.90
પોરબંદર10.00
સુરેન્દ્રનગર19.50
કચ્છ19.00
કુલ12.54

(આંકડા : નેશનલ ફેમિલી હેલ્થ સરવે-5 મુજબ)

ઓછું ભણતર, ગરીબી બાળલગ્નોનું મુખ્ય કારણ
ઓછું ભણતર અને ગરીબી બાળલગ્નોનું મુખ્ય કારણ છે. સમાજ કડક નિયમો બનાવે તો આ દૂષણ અટકી શકે. અમારા સમાજમાં બાળલગ્ન થતાં નથી, અમે તો અગાઉથી જ બંધારણ બનાવેલું છે. બાળલગ્ન અને સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા સંમેલનો પણ કરીએ છીએ. - પ્રકાશભાઇ પટેલ, પ્રમુખ વિસનગર તળ કડવા પાટીદાર સમાજ

ઉપાય : સમાજમાં વૈચારિક ક્રાંતિ લવાય તો જ બાળલગ્ન અટકી શકે

ઉત્તર ગુજરાતમાં બાળલગ્નનું પ્રમાણ સૌથી વધુ હોવા પાછળ રૂઢિગત પરંપરાઓ, અજ્ઞાનતા, સાટાપ્રથા, લગ્ન પ્રસંગો માટે આર્થિક વ્યવહારો જેવા કારણો જવાબદાર છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ખાસ સાટા પ્રથા વધુ હોય દીકરાના બદલે દીકરી આપતા હોય છે. એકના લગ્ન થાય સામે ઉંમર નાની હોવા છતાં વિશ્વાસના અભાવે લગ્ન લેવાઈ જાય છે. બાળલગ્ન અટકાવવા કાયદા છે.

પરંતુ અજ્ઞાનતા અને અમલીકરણના અભાવે આજે પણ આવાં લગ્ન અંદરખાને થઈ રહ્યાં છે. બાળલગ્નના કારણે છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. સામાજિક સંગઠનો અને જ્ઞાતિપંચો સમાજમાં વૈચારિક ક્રાંતિ લાવે તો જ આ બાળલગ્ન અટકી શકે. - ડૉ.જયેશ બારોટ, ચેરમેન, સમાજશાસ્ત્ર બોર્ડ ઓફ સ્ટડી, સતલાસણા

પ્રયાસ : સમૂહલગ્નમાં પણ ઉંમરનું પ્રમાણપત્ર ફરજિયાત છે
અશિક્ષિત લોકોમાં બાળલગ્નોનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેથી શિક્ષણ તેમજ આવા લોકોની રોજગારી ઉપર ભાર મુકવામાં આવે તો આ દૂષણ અટકી શકે. અમારા સમાજમાં બાળલગ્નો થતાં નથી. સમૂહ લગ્નોમાં પણ ઉંમરનાં પ્રમાણપત્રો લઇએ છીએ. બાળલગ્ન અટકાવવા અગાઉ મહિલા સંમેલનો તેમજ ગામે ગામ જાગૃતિ અભિયાન બાદ સમાજમાં બંધારણ પણ કરેલું છે. - જશુભાઇ પટેલ કાંસા, પ્રમુખ ઉ.ગુ. ચોર્યાસી કડવા પાટીદાર સમાજ

તંત્રનો દાવો : મહદઅંશે કાયદો અને જાગૃતિ અભિયાનોને કારણે આ બદી નિયંત્રણમાં આવી ગઇ છે
બાળલગ્ન વર્ષોથી ઘર કરી ગયેલું દૂષણ છે. તેની પાછળ ઘણાં કારણો જવાબદાર છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાના કિસ્સામાં એક દીકરીની સાથે બીજીનું લગ્ન કરી દેવું, પારકી થાપણ મનાતી હોવાથી દીકરીની જવાબદારીમાંથી વહેલા મુક્ત થઇ જવું, પેઢીઓથી ચાલી આવતી રૂઢીગત પરંપરાઓને અનુસરવું, છોકરાને વહેલી સામાજિક જવાબદારી આપી દેવી, જેથી અવળા રસ્તે જતો અટકવાની માન્યતા, શિક્ષણમાં ડ્રોપઆઉટ વગેરે જેવા પરિબળો બાળલગ્નો માટે મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ મહદઅંશે કાયદો અને જાગૃતિ અભિયાનોને કારણે આ બદી નિયંત્રણમાં આવી ગઇ છે. - મહેશભાઇ પટેલ, સમાજ કલ્યાણ અધિકારી સાબરકાંઠા

‘પહેલાં ઘોડિયામાં જ લગ્ન કરી દેવાતા’
દેસાઈ સમાજમાં પહેલાં ઘોડિયામાં લગ્ન કુરિવાજ હતો. જૂના સમયની એક પ્રથાને કારણે બાળલગ્નો થતાં. જોકે, છેલ્લા 25 વર્ષમાં ખૂબ મોટો સુધારો આવ્યો છે. હવે સંતાનો ઉંમરલાયક થાય ત્યારે જ લગ્ન કરવામાં આવે છે. > ચેહર દેસાઇ, સમાજના અગ્રણી, બનાસકાંઠા

ખર્ચા ટાળવા કૂમળી વયે લગ્ન કરી દેવાય છે
વધતી મોંઘવારીમાં ખર્ચા ટાળવા કેટલાક પરિવારો મોટા સંતાનોની સાથે નાના સંતાનોનાં લગ્ન પણ કરાવતા હોય છે. જોકે, હવે જાગૃતિ આવી છે. બાળલગ્ન અટકાવવા વધુને વધુ સમૂહ લગ્ન યોજાઇ રહ્યા છે. > વિરસંગજી ઠાકોર, પ્રમુખ, ચોવીસી કેળવણી ટ્રસ્ટ પાલનપુર

અન્ય સમાચારો પણ છે...