તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:શાસક ભાજપના કોર્પોરેટરોને પણ લાગે છે ગાયો પકડવા પાછળ ખર્ચમાં ગોલમાલ

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં 752 ગાયો પકડવા રૂ.18 લાખના ખર્ચથી સદસ્યોનાં ભવાં ખેંચાયાં
  • કોર્પોરેટરોનું કહેવું છે, એજન્સીએ માત્ર ગાયો જ પકડી છે, આખલાને અડ્યા જ નથી, રિવ્યૂ થાય તો ખબર પડે

શહેરમાં રખડતી 752 ગાયો પકડવા પાછળ પાલિકાએ રૂ.18.52 લાખનો અધધધ... ખર્ચ કર્યો છતાં રસ્તા ઉપર ગાયો અને આખલાના અડિંગા યથાવત જોવા મળે છે. જેને લઇ ખુદ શાસક પક્ષના સદસ્યો પણ ઢોર પકડવાની કામગીરી સામે શંકા દર્શાવી રહ્યા છે. એક સદસ્યએ તો એટલે સુધી કીધું કે, સૌથી વધુ આખલા અકસ્માત સર્જે છે, એજન્સીએ અત્યાર સુધીમાં કેટલા આખલા પકડી પાંજરાપોળમાં મોકલ્યા તેનો રિવ્યુ કરવો જોઇએ.

કોંગ્રેસના કોર્પોરેટરોએ કહ્યું,સરકાર ગાયો માટે નક્કર પૉલિસી બનાવે
વિપક્ષ કોંગ્રેસના નેતા કમલેશ સુતરિયાએ કહ્યું કે, 752 ગાયો પકડી તોય શહેરના રસ્તાઓ ઉપર પરિસ્થિતિમાં કોઇ ફેર પડ્યો નથી. ગાયો તો પહેલા જેટલી જ દેખાય છે. ખરેખર ગાયો પકડી તેની ફોટોગ્રાફી, જે-તે વિસ્તારના રહીશોના નિવેદન સાથે પંચનામું કરવું જોઇએ. આ આંકડા શંકા ઉપજાવતા હોઇ પૂરતી તપાસ થવી જોઇએ.

કોંગ્રેસના કોર્પોરેટર અમિતભાઇ પટેલે કહ્યું કે, આખા ગુજરાતની નગરપાલિકા વિસ્તારમાં અબોલ જીવો ફરતા હોય છે. રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગના કાયદાની જેમ પશુ માટે પણ નક્કર પૉલિસી સરકારે બનાવવી જોઇએ. શહેરમાં પશુની સમસ્યા ઠેરની ઠેર છે. પશુપાલકો સાથે પાલિકાએ બેઠક કરવી જોઇએ, પોલીસ સાથે સંકલન કરવું જોઇએ.

પૈસા ખર્ચ્યા પછી પણ પરિણામ નથી, સમસ્યા ઠેરની ઠેર
ગાયો પકડવા પાછળ લાખોનો ખર્ચ પણ પરિણામ નથી મળતું. રોડ ઉપર ગાયો હોય જ છે. ચોમાસામાં વધુ મુશ્કેલી થાય છે. પાલિકાએ નિયમો કડક બનાવી એજન્સી પકડેલી ગાયો પાંજરાપોળમાં મૂકવા જાય તેની ઉપર સુપરવિઝન જરૂરી છે. - જનક બ્રહ્મભટ્ટ, કોર્પોરેટર ભાજપ

ખર્ચ વધુ કહેવાય, કાયમી વ્યવસ્થા અંગે પ્રશ્ન ઉઠાવીશું
રૂ.18-19 લાખ ખર્ચ વધુ કહેવાય પણ સ્થાનિક પાંજરાપોળ પશુ લેવા તૈયાર નથી. મહેસાણા આજુબાજુ જગ્યા બનાવીએ તો પણ તેની પાછળ ખર્ચ થાય. ગાયો પાછળ ખર્ચ તો કાયમી વ્યવસ્થા માટે આગામી સામાન્ય સભામાં પ્રશ્ન ઉઠાવીશું. - ર્ડા. મિહીર પટેલ, કોર્પોરેટર ભાજપ

​​​​​​​ખર્ચ જોતાં ગાયો પકડાઇ હોય એવું હાલ તો લાગતું નથી
રૂ.18-19 લાખ ખર્ચ પ્રમાણે ગાયો પકડાઇ હોય એવું શહેરમાં હાલની પરિસ્થિતિ પ્રમાણે તો લાગતું નથી. લોકો ગાયો છોડવાનું બંધ કરતા નથી. કાયમી સમસ્યા હલ કરવા પકડેલી ગાયો સ્થાનિક પાંજરાપોળે લેવી જોઇએ,ઉત્તરાયણે શહેરમાંથી જ દાન મેળવતી હોય છે તો ગાયોને સાચવવાની ફરજ બને છે.- કિર્તીભાઇ પટેલ, શાસક પક્ષના નેતા, ભાજપ

​​​​​​​રસ્તા ઉપર ગાયો રખડતી જોવા મળે જ છે
ભાજપ કોર્પોરેટર દિપકભાઇ પટેલે કહ્યું કે, 15 દિવસ પહેલાં એક ગાય બીમારીથી કણસતી હતી, જીવદયા પ્રેમીઓને બોલાવી સારવાર કરાવી પણ બચી ન શકી. રસ્તા પર ગાયો રખડતી જોવા મળે જ છે. માલિક પશુની કાળજી લેતાં નથી.

અન્ય સમાચારો પણ છે...