હડતાળ:મહેસાણામાં ફતેપુરા સર્કલ નજીક સરકારી હોટમિક્ષ પ્લાન્ટના કર્મચારીઓ પગાર મુદ્દે છેલ્લા 3 દિવસથી હડતાળ પર

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પગારમાં શોષણ થતું હોવાની રાવ સાથે બહુમાળી ભવન ખાતે રજૂઆત કરી

મહેસાણામાં ફતેપુરા સર્કલ નજીક પલોદંર ખાતે સરકારી હોટમિક્ષ પ્લાન્ટમાં હંગામી રાહે ફરજ બજાવતા સિવિલ અને મિકેનિકલ વિભાગના તમામ 24 જેટલા કર્મચારીઓ પગારમાં શોષણ થતું હોવાની રાવ સાથે હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે પ્લાન્ટનું કામકાજ બંધ થઈ ગયું છે. આ મામલે કામદારોએ જિલ્લા બહુમાળી ભવન ખાતે મદદનીશ શ્રમ આયુક્તની કચેરીમાં પગાર વધારો કરી પુરા મહિનાનો પગાર આપવા રજૂઆત કરી હતી.

પાલોદર ખાતે આવેલી સરકારી હોટ મિક્ષ પ્લાન્ટમાં હંગામી કર્મચારીઓએ સરકારી મજૂર અધિકારીને રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, છેલ્લા ઘણા સમયથી એજન્સી દ્વારા પગારમાં શોષણ કરાઈ રહ્યું છે, 2021 અને 22 માં નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીથી એપ્રિલ 2022 માસનો પગાર અમુક સરકારી કારણોસર પ્લાન્ટ બંધ હોવાનું કારણ આગળ ધરી ચૂકવાયો નથી. ચોમાસામાં ફરજ બજાવતા હોવા છતાં અડધો પગાર રૂપિયા 5000 લેખે ચૂકવાય છે.

ચોમાસામાં પેચ વર્ક હોય કે ફ્લડ જેવી ઇમરજન્સીમાં 17 કલાકથી વધારે કામ લે છે પરંતુ જ્યારે કામ ના હોય ત્યારે ઓછા સમયની કામગીરી કરતા પગારમાં શોષણ થાય છે. વર્ષ 1994 થી 2008 સુધી સરકારી મસ્તર ફરજ બજાવી છે અને નવા કોન્ટ્રાક્ટરમાં હાલમાં દરેક કર્મીનો પીએફ 25 ટકા લેખે પગારમાંથી કપાત કરાય છે. ઘણા સમયથી સતત ફરજ બજાવતા હોવા છતાં મોંઘવારી પ્રમાણે પગાર વધારો કરતો નથી. જેવા અનેક પ્રશ્નોને લઈ કર્મચારીઓએ હડતાળ પાડી રજૂઆત કરી છે. છેલ્લા ત્રણ દિવસથી કર્મચારીઓ હડતાળ પર છે.

અન્ય સમાચારો પણ છે...