દેદિયાસણ ગામનો ગ્રાઉન્ડ રિપોર્ટ:ચૂંટણી તો આવે ને જાય પણ ખેતરોના સેઢા દેદિયાસણમાં ભજવાડથી સલામત રહ્યા નથી

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેદિયાસણમાં ખેતીલાયક જમીન વાવણી વગર બંજર હાલતમાં - Divya Bhaskar
દેદિયાસણમાં ખેતીલાયક જમીન વાવણી વગર બંજર હાલતમાં
  • ઓજી વિસ્તારની 60 સોસાયટીઓ ભળતાં દેદિયાસણમાં શહેરી, ગ્રામીણ મળી 8000થી વધુ મતદારો

બ્રિજેશ પટેલ

મહેસાણાની પડખે આવેલા દેદિયાસણ ગામમાં પહેલા રસ્તેથી અંદર પ્રવેશતાં જ અસ્સલ ગામડું દેખાઇ આવે છે. રસ્તાની સાઇડોમાં ઘાસચારો, ક્યાંક ઉકરડા અને ઉબડખાબડ રોડ પસાર કરી ગોંદરે પહોંચતાં પંચાયત ઘરથી મહોલ્લામાં જતા રસ્તા પાકા નજરે પડે છે. આ ગામની ત્રણ સાઇડ ઓજી વિસ્તારની સોસાયટીઓ છે અને મધ્યમાં પટેલપરૂ આગળ ગોઠવાયેલા બાંકડે ત્રણ વયસ્ક, એક યુવાન સવારે 11.30 વાગે બેઠેલા અને ઘડીભર પહેલાં જ એક રાજકીય ઉમેદવારની રેલી પસાર થઇ એટલે બાંકડા ઉપર ચૂંટણીનો મુદ્દો છેડાયેલો હતો.

ગામમાં 100 વીઘાથી વધુ જમીન વાવણી વગર પડી
વડીલોને પૂછ્યું, ચૂંટણીનો કેવો માહોલ છે, ગામના કોઇ પ્રશ્નો ખરા? તરત એક ભાઇ બોલ્યા, ચૂંટણી તો આવે ને જાય, ખેડૂતોનું ક્યાં ભલું થાય છે, ખેતરોના સેઢા ભજવાડથી સલામત રહ્યા નથી.આ વાત આગળ વધારતાં બીજા વયસ્ક બોલ્યા, ગામના આથમણા, ચોવાળ અને નેવાળી ત્રણ આંટામાં ખેતરો છે પણ 50 ટકા જમીન વાવણી વગર પડી છે. રખડતાં પશુઓનો ભજવાડ એટલો વધી ગયો છે કે ખેડૂતો છતી જમીને પડતર રાખી નોકરીમાં વળ્યા છે. ખાતર, બિયારણ મોંઘાં છે, મજૂરને 6 કલાકની રૂ.300 મજૂરી ચૂકવીએ તો પણ વાવેતર સચવાશે કે નહીં તેની મોટી ચિંતા રહે છે. કારણ કે, રખડતા ઢોરનો ભજવાડ બહુ થાય છે. ગામમાં 100 વીઘાથી વધુ જમીન વાવણી વગર પડી છે.

બાંકડા ઉપર ચૂંટણીનો મુદ્દો છેડાયેલો
એક યુવાને ચોવાળ આંટો દેખાડી કહ્યું, અમે પોતાની 7 વીઘા જમીનમાં વાવણી કરતાં ઉપરાંત ભાગમાં 10 વીઘા વાવતેર કરી તેને સાચવવા ફેન્સિંગ ર્ક્યું તોય સચવાયું નહીં. હવે ઘરે વાવવાનું ઓછું કરી નાખ્યું. હાજર તમામનો એક સૂર હતો, અમારે તો ખેતરના સેઢા સચવાય એવો ભાઇ જોઇએ. પણ ચૂંટણીમાં આવા ભાઇ ક્યાં છે? બાકી ચૂંટણી આવે ને જાય છે. પંચાયતમાં કામ અર્થે નિવૃત્ત સરકારી કર્મચારી સહિત બે જણા બેઠા હતા. મહેસાણા બેઠકમાં કોણ આવશે, ગામમાં કેવો માહોલ છે પૂછતાં નિવૃત્ત કર્મીએ કહ્યું, ભાજપ-કોંગ્રેસ બંને ઉમેદવાર ચોર્યાસી સમાજના છે. અમારે દેદિયાસણમાં તો રાધનપુર રોડ જેવો ક્યાં વિકાસ થયો છે? દેદિયાસણ જીઆઇડીસી બોર્ડર લાઇન આવી જાય છે.

8400થી વધુ મતદારો છે ગામમાં
દેદિયાસણ ગામમાં ઓજીની સોસાયટીઓને આવરી લઇ 8400થી વધુ મતો છે. સૌથી વધુ પાટીદારની વસતી ધરાવતા આ ગામમાં ઠાકોર, મુસ્લિમ, દલિત, પ્રજાપતિ તેમજ અન્ય જ્ઞાતિનો વસવાટ છે.

અન્ય સમાચારો પણ છે...