દોડધામ:સર્વરના ધાંધિયાથી વેરો ભરવા આવેલા વૃદ્ધ ઢળી પડ્યા, આવું ન બને માટે ઘરેથી વેરો ભરી શકો છો

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકામાં વેરો ભરવા લાઇનમાં ઉભેલા વૃદ્ધને છાતીમાં દુ:ખાવો ઉપડતાં દોડધામ
  • ફિઝિયોથેરાપિસ્ટ દીકરીને જાણ કરાતાં નગરપાલિકા આવીને ઘરે લઇ ગઇ

મહેસાણા નગરપાલિકામાં સોમવારે મિલકત વેરો ભરવા માટે સવારથી કરદાતાઓની લાઇન લાગી હતી અને બપોરે 12 વાગ્યા સુધીમાં વેરાની 300 પાવતી નીકળી હતી. ત્યાં એકાએક સ્ટેટ સર્વર ઠપ થઇ જતાં લાઇનમાં ઉભા રહેલા કરદાતાઓ અટવાઇ ગયા હતા. આ સમયે લાઇનમાં ઊભેલા એક વૃદ્ધને ચક્કર આવતાં ઢળી પડતાં હાજર લોકો અને પાલિકાના કર્મચારીઓએ તેમને જનસેવા કેન્દ્રમાં બેસાડ્યા પછી રાહત અનુભવી હતી.

સોમવારે નગરપાલિકાની વેરા શાખા આગળ મિલકતદારોને વેરો ભરવા માટે કતાર જામી હતી. સવારે 10.30 થી 12 વાગ્યા સુધીમાં 300 જેટલા કરદાતાઓના વેરા સ્વીકારાયા હતા અને તેમને વેરા ભરપાઇનું ચલણ અપાયું હતું. જોકે, ત્યાર પછી ગાંધીનગરથી ઓનલાઇન સર્વેર ઠપ થવાના કારણે વેરા સ્વીકારવાની કામગીરી થંભી ગઇ હતી. આ દરમિયાન લાઇનમાં ઉભેલા કરદાતાઓ કેટલાક આસપાસ બેસીને ક્યારે સર્વર ચાલુ થાય અને વેરો સ્વીકારાય તેની રાહમાં બેઠા હતા. તો કેટલાક લાઇનમાં જ ઊભા હતા. તો કેટલાક પાછા ચાલી ગયા હતા.

દરમિયાન, વેરો ભરવા લાઇનમાં ઉભેલા આકાશગંગા સોસાયટીમાં રહેતા શંકરભાઇ ચૌધરી નામના એક વૃદ્ધ પરસેવે રેબઝેબ થઇ હળવેથી ઢળી ત્યાં જ જમીન ઉપર સૂઇ ગયા હતા. ઉભા થવામાં તકલીફ સર્જાતી હોઇ હાજર અન્ય કરદાતાઓ અને કર્મીઓએ ભેગા થઇ તેમને જનસેવા કેન્દ્રમાં સોફા પર બેસાડ્યા હતા.

આ સમયે ડૉ. જીગ્નેશભાઇ નામના તબીબ પાલિકામાં કામ માટે આવેલા હોઇ તેમણે વૃદ્ધને પૂછતાં છાતીમાં દુ:ખાવો થતો હતો, અગાઉ બે સ્ટેન્ટ નખાવેલા છે તેમ જણાવ્યું હતું. જોકે, તબીબે ચિંતા ના કરો, સામાન્ય દુ:ખાવો હોઇ હિંમત આપી હતી. આ દરમિયાન, તેમની ફિઝિયોથેરાપિસ્ટ દીકરીને જાણ કરતાં તેઓ નગરપાલિકા દોડી આવ્યાં હતાં અને તેમના પિતાને હેમખેમ પરત ઘરે લઇ ગયાં હતાં.

રાજ્યભરમાં એક સર્વરથી વેરાની ઓનલાઇન કામગીરી થતાં સમસ્યા છે
નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, જીસ્વાન કનેક્ટીવીટીમાં રાજ્યભરમાં એક સર્વરથી વેરાની ઓનલાઇન કામગીરી થાય છે. ગાંધીનગર કોલ કર્યો છે, સર્વર સ્લો હોઇ રાહ જોવા કહ્યું છે. આ સમયે લાઇનમાં 50થી વધુ કરદાતાઓ ઊભા હતા. ઓનલાઇન વેરો ભર્યા પછી પાવતી જનરેટ થતી હોય છે.

ઘરે બેઠાં ઈ- નગર વેબસાઈટથી ઓનલાઈન વેરો ભરી શકાય છે
નગરપાલિકા ખાતે જે વેબસાઈટથી ઓનલાઇન મિલકત વેરો સ્વીકારાય છે એ જ વેબસાઈટથી મિલકતદાર તેમના ઘરે બેસીને મોબાઈલ ,લેપટોપ કે કોમ્પ્યુટર થી ઓનલાઇન વેરા ભરીને પેમેન્ટ ની રીસીપ્ટ ડાઉનલોડ કરી શકે છે.e-nagar.gov.in ઉપર જઈને ક્વિક પેમેન્ટ ઉપર ક્લિક કરવું ,ત્યાર પછી ખુલતા પ્રોપર્ટી ટેક્સ ઉપર ક્લિક કરવું ,ત્યાર પછી યુએલબી(ulb) માં મહેસાણા નગરપાલિકા પસંદ કરવું અને ત્યાર પછી તમારા મિલકતનો નંબર એન્ટર કરીને વેરો ભરી શકાશે, છેલ્લે પેમેન્ટ કરવું અને પછી ડાઉનલોડ રીસીપ્ટ થી રીસીપ્ટ ડાઉનલોડ કરી શકાય છે .રોજ શહેરમાં 15 થી 20 મિલકતદાર ઘરે બેઠા ઈ નગરમાં ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા છે. માર્ચ 2022 થી ઈ નગર વેબસાઈટ મારફતે મિલકત વેરા સ્વીકારવામાં આવી રહ્યા છે.છે. - બ્રિજેશભાઇ પટેલ, ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ

અન્ય સમાચારો પણ છે...