તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલ:ચોરાસી કડવા પાટીદાર સમાજ કોરોનામાં આવકનો આધાર ગુમાવનારા પરિવારોને આર્થિક મદદ કરશે

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સમાજના હોદ્દેદારો અરજી કરનારા 55 પરિવારોની મુલાકાત લઇ સહાય નક્કી કરશે

મહેસાણા અને પાટણ જિલ્લામાં પથરાયેલા ચોરાસી કડવા પાટીદાર સમાજમાં કોરોના મહામારીમાં ભોગ બનેલા પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિના અવસાનથી કુટુંબ ઉપર આવી પડેલી આપત્તિના સમયે સમાજના દાતાઓ તરફથી મદદરૂપ બનવાની ટહેલ કરાઇ છે. જેને પગલે સમાજે પરિવારમાં મુખ્ય આર્થિક આધાર ગુમાવ્યો હોય એવા પરિવારોની અરજી મગાવતાં 55 જેટલી અરજી મળી છે. જેમાં પરિવારમાં સભ્યોની સંખ્યા, આવક, ખેતીની જમીન વગેરે વિગતોમાં જે-તે ગામના કારોબારી સભ્ય તથા હોદ્દેદાર અભિપ્રાય આપે છે અને અરજદારની ખરાઇ કરી સહાય અપાશે. આ પરિવારની સાત તાલુકામાં નિમાયેલા હોદ્દેદારોની ટીમોએ અરસપરસના તાલુકામાં પરિવારોની રૂબરૂ મુલાકાત શરૂ કરી છે. જેમાં કોને કેટલી અને કેવી આર્થિક જરૂરિયાત છે તે જાણી-ચકાસીને આવા પરિવારને આર્થિક મદદ કરવાનું આયોજન કરાયું છે. સમાજની આ પહેલ આવા પરિવારો માટે આધારસ્તંભ બની રહેશે.

કોરોનામાં કમાનાર વ્યક્તિના જવાથી આફતમાં મદદરૂપ માટે મગાવેલી અરજીઓની સમાજના હોદ્દેદારો ઉપપ્રમુખ જયંતિભાઇ પટેલ, ખજાનચી પ્રહલાદભાઇ પટેલ, મહેસાણા તાલુકા પ્રમુખ મફતલાલ પટેલ, મંત્રી મહેન્દ્રકુમાર પટેલ, ચાણસ્મા મંત્રી દિનેશભાઈ પટેલે શુક્રવારે બહુચરાજી અને ચાણસ્મા તાલુકાના દેદરડા, જેતપુર, મહાદેવપુરા, મીઠીઘારીઆલ, વેણપુરા, ચડાસણા ગામની મુલાકાત લીધી હતી. મહેસાણા તાલુકાની મુલાકાત પૂરી થઇ છે. ઊંઝા, પાટણ, વિસનગર બાકી હોઇ હવે કરાશે. સિદ્ધપુરમાંથી લગભગ અરજી નથી. બાળકો નિરાધાર થયા હોય એવા સાચા જરૂરમંદોને દાતા તરફથી આર્થિક મદદ અપાશે.

જરૂરમંદ પરિવારને મદદરૂપ થવાનો ઉદ્દેશ
ચોરાસી કડવા પાટીદાર સમાજના ઉપપ્રમુખ જયંતિભાઇ પટેલે કહ્યું કે, સમાજ સાત તાલુકાના 150 ગામોમાં પથરાયેલો છે. લગભગ દોઢ લાખની વસતી છે. કોરોનામાં ઘરનો મુખ્ય કમાનાર આધાર ગુમાવ્યો તેમને દાતાઓ મારફતે મદદરૂપ બનવાનું નક્કી કરાયું છે. જેમાં આવેલી 55 અરજીનો સર્વે ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...