1200થી વધુને ફૂડ-પોઇઝનિંગ:વિસનગરના કોંગી નેતા વઝીરખાનના પુત્રના લગ્નમાં આખું ગામ ઝપટમાં, સાઉદી અરેબિયામાં બ્રાન્ચ ધરાવતા કેટરર્સને અપાયો હતો ઓર્ડર

મહેસાણા4 મહિનો પહેલાલેખક: અપૂર્વ રાવળ
  • વિસનગર-મહેસાણા અને ગાંધીનગર સહિતનાં 6 ગામની હોસ્પિટલ દર્દીથી ઊભરાઈ
  • આખી રાત એમ્બ્યુલન્સના સાયરનથી હોસ્પિટલો ગુંજી
  • આરોગ્યમંત્રી સહિત અધિકારીઓ રાત્રે 3.30 વાગે દોડી આવ્યા

કોંગ્રેસી નેતા વઝીરખાન પઠાણના પુત્ર શાહરુખ ખાનના લગ્ન પ્રસંગમાં હાજર રહેલું આખેઆખું સવાલા ગામ ફૂડ-પોઇઝનિંગની ઝપટમાં આવી ગયું છે. લગ્ન પ્રસંગમાં નોનવેજ ખાધા બાદ હાજર ગ્રામજનોને ઝાડા-ઊલટી થવા લાગી હતી. એકસાથે 1200થી વધુ લોકોને અસર થતાં છ ગામની હોસ્પિટલો દર્દીઓથી છલકાઈ હતી. વિસનગર, મહેસાણા, ઊંઝા, ખેરાલુ, વડનગર અને ગાંધીનગર સિવિલમાં દર્દીઓને સારવાર આપવામાં આવી છે. બનાવની જાણ થતાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતનો સ્ટાફ રાત્રે 3.30 વાગ્યે વિસનગર પહોંચી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયામાં બ્રાન્ચ ધરાવતા જાણીતા કેટરર્સને દાવતનો ઓર્ડર અપાયો હતો. વજીર ખાન પઠાણે જણાવ્યું હતું કે, હવે કોરોના નિયમો હળવા થતાં દિકરાના લગ્નનું આયોજન કરી દેશની બ્રાન્ડ કહેવાય તેવા મુંબઇના દિલ્હી દરબાર કેટરર્સનો સંપર્ક કરી આ ઓર્ડર આપ્યો હતો. દાવતની સંપૂર્ણ જવાબદારી કેટરર્સને આપવામાં આવી હતી.

વિસનગરના સવાલા ગામે ગઈરાત્રે એક વાગ્યે કોંગ્રેસના આગેવાન વઝીરખાનના પુત્ર શાહરુખના લગ્ન રિસેપ્શન પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં દિલ્હી દરબાર નામના કેટરર્સ દ્વારા જમવાનું બનાવવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં આવી હતી. ભોજન લેતાં જ 1200થી વધુ લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી.

દર્દીઓને વડનગર, મહેસાણા, વિસનગર ખસેડાયા
લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્ય બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ-પોઇઝનિંગ થઈ જતાં તાત્કાલિક જે વાહન મળ્યાં એમાં બેસી વિસનગર, વડનગર, મહેસાણા સહિતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, મહેસાણા એસપી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

કુલ 1225 જેટલા દર્દીઓ નોંધાયા
સવાલામાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન જમવાથી મોટી સંખ્યામાં ફૂડ-પોઇઝનિંગ થતાં લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. હાલ કુલ 1225 જેટલા દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે, જેમાં આખી રાત ડોકટરની ટીમ અને મેડિકલ સ્ટાફ વિવિધ હોસ્પિટલમાં હજાર રહી તેમને સારવાર આપી હતી. 95% દર્દીઓની સારવારમાં સુધારો આવ્યો હોવાથી તેમને ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે હજી પણ ઘણા દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

કઇ હોસ્પિટલમાં કેટલા દર્દીને સારવાર અપાઈ
આરોગ્યતંત્રથી મળતી વિગતો અનુસાર, વિસનગરની નૂતન હોસ્પિટલમાં 410, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 300, મહેસાણાની જી.એચ. હોસ્પિટલમાં 206, વિસનગર સી.એચ.સી. માં 44, ઊંઝા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટસમાં 5, વડનગર સરકારી હોસ્પિટલમાં 135, સી.એચ.સી. ખેરાલુમાં 7 અને મહેસાણાની હોસ્પિટલમાં 50, અમદાવાદ સિવિલમાં 12, ગાંધીનગર સિવિલમાં 32 મળી કુલ 1057 જેટલા દર્દીઓને સધન સારવાર આપવામાં આવી હતી.

જિલ્લા આરોગ્યતંત્રને સજ્જ રહેવાની તાકીદ
આ તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે, જેમાંથી મોટા ભાગના દર્દીઓ સારવાર મેળવીને સ્વગૃહે પરત થયા છે. દર્દીઓને સઘન સારવાર મળી રહેતાં કોઇપણ પ્રકારનો ગંભીર બનાવ કે મૃત્યુ નોંધાયું નથી. આગામી સમયમાં ફૂડ-પોઇઝનિંગના વધુ કેસ નોંધાય ત્યારે તમામ દર્દીઓને ત્વરિત સારવાર ઉપલબ્ધ કરાવવા વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લા આરોગ્યતંત્રને સજ્જ રહેવાની તાકીદ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...