તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ધો.12માં આજથી 50% છાત્રો સાથે વર્ગખંડમાં શિક્ષણ, વાલીની સંમતી ફરજિયાત

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લાની 224 હાઇસ્કૂલોમાં બારમા ધોરણમાં શિક્ષણકાર્ય શરૂ કરવા તૈયારી
  • વર્ગખંડોની મર્યાદાને લઇ ઘણી સ્કૂલો ઓડ-ઇ-વન પદ્ધતિથી ક્લાસ ચલાવશે

રાજ્ય સરકારે ધો. 12ના છાત્રોને શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે છૂટ આપતાં ગુરુવારથી વાલીઓની સંમતી સાથે શિક્ષણકાર્ય શરૂ કરવા શાળા સંચાલકોએ તૈયારી કરી છે. જોકે, બુધવારે પરિપત્ર મળ્યો હોઇ પ્રથમ દિવસે શાળાઓ વાલીઓના સંમતીપત્ર મેળવશે અને કેટલા વાલીઓ તૈયારી બતાવે છે તે મુજબ વર્ગનું આયોજન કરાશે. જિલ્લામાં ધો.12ની 224 શાળામાં 18,741 વિદ્યાર્થીઓ છે. જેમાં આર્ટસમાં 9981, કોમર્સમાં 4514 અને વિજ્ઞાન પ્રવાહમાં 4246 છાત્રો છે.

જિલ્લા શિક્ષણાધિકારી ડો. એ.કે. મોઢે જણાવ્યું કે, વર્ગમાં 50 ટકા બેઠક સાથે ધો.12ના વર્ગો ગુરુવારથી વાલીની સંમતી સાથે શરૂ કરી શકાશે. આ અંગે શાળાઓને જરૂરી સૂચનાઓ અપાઇ છે. ઓડ-ઇ-વન પદ્ધતિથી વર્ગો ચાલશે. વાલીઓના સંમતીપત્ર શાળાઓમાં આવશે એમ વર્ગો શરૂ થશે.

ઓડ-ઇ-વન પદ્ધતિથી ધો.12ના વર્ગો શરૂ કરીશું
વાલીઓની સંમતી મેળવી વર્ગો શરૂ કરીશું. સાર્વજનિક સંસ્થામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય માધ્યમની શાળાઓમાં વર્ગમાં 50 ટકા વિદ્યાર્થી મુજબ વર્ગની છૂટ હોઇ ઓડ-ઇ-વન પદ્ધતિથી વર્ગો ચલાવવાનું આયોજન કરાશે. માસ્ક, સેનેટાઇઝર સહિત કોવિડ ગાઇડલાઇન મુજબ વર્ગો શરૂ કરાશે.છે. - દિલીપ ચૌધરી, સંચાલક, સાર્વજનિક કેળવણી મંડળ

વાલીઓની સંમતી મેળવ્યા પછી વર્ગ શરૂ કરવા આયોજન કરાશે
​​​​​​​રાજ્ય સરકારે ધો.12ના વર્ગ કોવિડ ગાઇડ લાઇન જાળવી શરૂ કરવાની છૂટ આપી છે. અમારે ત્યાં સીબીએસસીમાંથી સરક્યુલર હવે આવશે. આ દરમિયાન વાલીઓની સંમતી જાણી લઇશું. એકદમ ઉતાવળ ન કરતાં પૂરતી વ્યવસ્થા સાથે અઠવાડિયામાં વર્ગ શરૂ કરવાનું આયોજન કરાશે. - બીપીન પટેલ, ટ્રસ્ટી આનંદનિકેતન સ્કૂલ

CBSC ગાઇડલાઇન પછી વર્ગ ચાલુ કરીશું
​​​​​​​તપોવન સ્કૂલ સીબીએસસી બેઝ ધો.12ના વર્ગો ચલાવે છે. સીબીએસસીથી હજુ ધો.12 વર્ગ શિક્ષણ શરૂ કરવા સંમતી આવી નથી, જે સંમતી આવ્યે સ્કૂલમાં વર્ગ શરૂ કરીશું. - દશરથભાઇ પટેલ, ટ્રસ્ટી, તપોવન સ્કૂલ

વાલીઓની સંમતી સાથે વર્ગો ચાલુ કરીશું
સરકારની ગાઇડ લાઇન મુજબ ધો.12ના વર્ગો ગુરુવારથી શરૂ કરીશું. વાલીઓની સંમતી જરૂરી છે. ધો.12 કારકિર્દીમાં અગત્યનું વર્ષ હોઇ કોર્સ રહી ન જાય તે મહત્વનું હોઇ શાળામાં વર્ગ ચાલુ કરી અભ્યાસક્રમ શરૂ કરાશે. - ડૉ. અનિલ પટેલ, ટ્રસ્ટી, અર્બન વિદ્યાલય મહેસાણા

​​​​​​​જિલ્લામાં ધો.10- 12ના 21365 વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા, વર્ગદીઠ 20ની સંખ્યા મુજબ 861 બ્લોકમાં વ્યવસ્થા
શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ના નિયમિત વિદ્યાર્થીઓને કોરોનામાં માસ પ્રમોશન આપ્યા પછી હવે બાકી રહેતાં રિપીટર, ખાનગી અને આઇસોલેટ વિદ્યાર્થીઓની ગુરુવારથી પરીક્ષાનો પ્રારંભ થશે. મહેસાણા જિલ્લામાં ધોરણ 10 અને 12માં 21,365 વિદ્યાર્થીઓની 87 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે. જેમાં કોરોનાને લઇ અંતર જળવાય તે માટે વર્ગમાં 30ની બેઠક વ્યવસ્થા ઘટાડી 20 કરાઇ છે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું કે, ધો.10માં 15,275 પરીક્ષાર્થીઓ માટે સવારે 18 કેન્દ્રોમાં 645 બ્લોકમાં પરીક્ષા લેવાશે. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહના 850 રિપીટરની પરીક્ષા બપોરે 5 કેન્દ્રોના 40 બ્લોકમાં અને ધો. 12 સામાન્ય પ્રવાહના 5240 રિપીટરની પરીક્ષા 15 કેન્દ્રોના 176 બ્લોકમાં લેવાશે.આ પરીક્ષાને લઇ બુધવારે કેન્દ્રોમાં કુંડાળા તેમજ સેનેટાઇઝેશન કરાયું હતું. પરીક્ષાર્થીએ માસ્ક પહેરવું ફરજિયાત છે. પરીક્ષામાં ગેરરીતિ ડામવા સ્થાનિક સ્કવોડની રચના કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...