નિર્ણય:મહેસાણાના રામપુરા સર્કલથી ઇડર 86 કિમી સ્ટેટ હાઇવે બન્યો નેશનલ હાઇવે

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 168-જી હાઇવે શામળાજી નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં.48ને મળશે

મહેસાણાના રામપુરા સર્કલથી સાબરકાંઠાના ઇડર સુધીનો લગભગ 86 કિલોમીટરના સ્ટેટ હાઇવેને કેન્દ્ર સરકારે નેશનલ હાઇવેમાં તબદીલ કર્યો છે. આ હાઇવે નેશનલ હાઇવે નં.168-જીના નામે ઓળખાશે. જે ઇડરથી આગળ વધી શામળાજી નજીક નેશનલ હાઇવે નં.48ને મળશે.

કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા ગત તા.18 ઓગસ્ટ, 2021ના રોજ એક નોટીફિકેશન બહાર પાડી મહેસાણાથી ઇડર સુધીના લગભગ 86 કિલોમીટરના સ્ટેટ હાઇવે નં.56ને નેશનલ હાઇવે નં.168-જીમાં તબદીલ કર્યો છે. આ નેશનલ હાઇવે મહેસાણા નજીકના રામપુરા સર્કલથી શરૂ થઇ માનવ આશ્રમ સર્કલ, વિસનગર, વડનગર, હોટલ વે-વેઇટ ત્રણ રસ્તા થઇને વલાસણાથી ઇડર સુધીનો રહેશે. જે આગળ ઇડર થઇ શામળાજી નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં.48ને મળશે. જેને લઇ મહેસાણા-રાજસ્થાનને જોડતાં નેશનલ હાઇવે પર વાહનોનો ઘસારો પણ વધશે.

આ રૂટને નેશનલ હાઇવેમાં સમાવેશ કરતાં હવે તેના રખરખાવ અને નવિનીકરણની કામગીરી કેન્દ્ર સરકાર હસ્તક થતાં રાજ્ય સરકારનો ભાર ઘટ્યો છે. ભવિષ્યમાં અહીંથી પસાર થવા વાહનોના ઘસારાને ધ્યાને રાખી હાઇવેની પહોળાઇ સહિતની સુવિધાઓમાં વધારો થવાની શક્યતા છે. તેમજ જો હાઇવેનું નવિનીકરણ થશે તો ટોલ નાકું આવે તેવી પણ સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...