કોર્ટનો નિર્ણય:5 હજારની લાંચમાં દોષિત કાલરી ગામના પૂર્વ તલાટીને 2 વર્ષની સજા

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2013માં તલાટી ભરત ગઢવી વારસાઇમાં નામ ચડાવવા પેટે લાંચમાં પકડાયા હતા, મહેસાણાની સ્પે. એસીબી કોર્ટે રૂ.1500નો દંડ ફટકાર્યો

બહુચરાજી તાલુકાના કાલરી ગામના તત્કાલીન તલાટી ભરત ગઢવીને 8 વર્ષ અગાઉ રૂ.5 હજારની લાંચ લેવાના કેસમાં મહેસાણાની સ્પે. એસીબી કોર્ટે 2 વર્ષ કેદની સજા અને રૂ.1500નો દંડ ફટકાર્યો હતો. દેત્રોજના ચુંવાળ ડાંગરવાના બળદેવભાઈ જીવાભાઈ પટેલના સાસરી કાલરી ગામનાં શાંતાબેન પ્રતાપજી ઠાકોરે વડીલોપાર્જીત સર્વે નં.219 અને 235માં વારસાઈમાં નામ ચડેલું નહીં હોવાથી નામ ચડાવવા માટે કાર્યવાહી કરવા માટે સત્તા બળદેવભાઈ પટેલને સોંપી હતી.

કાલરીના તત્કાલીન તલાટી ભરત મોજદાન ગઢવીએ આ કામ પેટે રૂ.20 હજાર માગતાં રૂ.15 હજાર આપી 5 હજાર બાકી રાખ્યા હતા. જેની તલાટી વારંવાર ઉઘરાણી કરતાં બળદેવ પટેલે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. તેથી એસીબીએ મહેસાણા મોઢેરા ચોકડી અને રાધનપુર ચોકડી વચ્ચે ઉમિયા કોમ્પલેક્ષ પાસે તલાટી ભરત ગઢવી રૂ.5 હજારની લાંચ લેતાં ઝડપી લીધા હતા.

મહેસાણાની સ્પે. એસીબી કોર્ટમાં આ કેસ ચાલી જતાં સરકારી વકીલ સંજયકુમાર આર. પટેલની દલીલો ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ એમ.ડી. પાન્ડેએ આરોપી તલાટી ભરતકુમાર મોજદાન ગઢવીને 2 વર્ષ કેદની સજા અને રૂ.1500 દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...