ક્લાઇમેટ ચેન્જ અને પ્રદુષણરહિત વાહનવ્યવહાર માટે ઇ-રિક્ષાનો વ્યાપ વધારવા સેપ્ટ રિસર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (સીઆરડીએફ) દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં મહેસાણા શહેરની પસંદગી કરાઇ છે. સેપ્ટ યુનિ.ની એકેડેમિક ટીમ દ્વારા અગાઉ રિક્ષાચાલકોને ઇ-રિક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યા બાદ હવે બેટરીના ચાર્જીંગ માટે કયા કયા સ્થળે ચાર્જીગ પોઇન્ટ મૂકી શકાય તેમ છે તેની શક્યતા ચકાસવા જ્યાં રિક્ષાઓ ઊભી રહે છે તેવા 27 સ્થળોનો સર્વે કરાયો હતો. પ્રોજેક્ટના ભાગરૂપે ટીમે શુક્રવારે નગરપાલિકાની મુલાકાત લઇ પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત પદાધિકારીઓ સાથે પરામર્શ પણ કર્યો હતો.
શહેરમાં 1800 પૈકી હાલ માત્ર 32 ઇલેકટ્રીક રિક્ષાઓ છે. જેનો વ્યાપ વધારવા જરૂરી વ્યવસ્થા ઊભી કરવા સેપ્ટની ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે. સેપ્ટ યુનિ.ની ટીમે કહ્યું કે, હાલ 27 લોકેશનનો પર સર્વે કરાયો છે, જે રિક્ષા સ્ટેન્ડ છે, જ્યાં રોજ 20 થી 80 રિક્ષા ઊભી રહે છે. ઇ-રિક્ષામાં પ્રતિ કિમી 40 પૈસા, સીએનજી રિક્ષામાં હાલ સીએનજીના ભાવ વધતાં રૂ.2 ખર્ચ આવે છે.
જેમાં રિક્ષાચાલક અને ગ્રાહક બંનેને ઇ-રિક્ષા કરતાં વધુ બોજો આવે છે. બીજુ ઇ- રિક્ષા પ્રદૂષણરહિત છે. જેમાં બેટરી એક વખત ચાર્જ કર્યા પછી 150 કિમી લાવી શકાય છે. રિક્ષાચાલકને શહેરમાં 70 કિમી ફેરવ્યા પછી શહેર બહાર જવાનું થાય તો શહેરના મુખ્ય માર્ગમાં પણ બેટરી ચાર્જ કરી શકે તે માટે 15 જગ્યાએ ચાર્જીંગ પોઇન્ટ ઊભા કરવા સર્વે ચાલુ છે. જ્યાં નિયત ચાર્જથી બેટરી ચાર્જ કરાવી શકાશે.
ઇ-રિક્ષા માટે લોન અપાય તો સંખ્યા વધે
ઇ-રિક્ષામાં હજુ સરકાર દ્વારા બેંક મારફતે લોનની સુવિધા કરાઇ નથી. એટલે ઇ- રિક્ષામાં સરકારી સબસીડી આવે ત્યાં સુધી ખરીદીનો બધો ખર્ચ વહન કરવાનો થાય તેમ રિક્ષાચાલકોનું કહેવું છે. સરકાર બેંકરાહે લોનની વ્યવસ્થા કરે તો ઇ-રિક્ષાનો વ્યાપ વધી શકે. આ અંગે સેપ્ટ યુનિ.ના સૂત્રોએ કહ્યું કે, સરકાર ઇ-રિક્ષામાં લોન અંગે વિચારણા કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.