પાલિકાનો નિર્ણય:દિવાળીના તહેવારોમાં નગરપાલિકાનું વાહન રાત્રે બજારમાં કચરો લેવા ફરશે

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેર રસ્તા પર કચરાના ઢગલા થતા રોકવા પાલિકાનો નિર્ણય
  • 25મી તારીખથી રાત્રે 8 વાગ્યાથી 4 વાહન તમામ બજારોમાં આવશે

દિવાળી તહેવારોને પગલે મહેસાણા શહેરમાં જાહેર રસ્તા પર કચરાના ઢગલા ન થાય તે હેતુથી દિવસ દરમિયાન બજાર વિસ્તારમાં વાહન ફેરવી ડોર ટુ ડોર કચરો કલેકશન કરતી પાલિકાની ટીમ હવે તા.25 થી રાત્રે 8 વાગ્યાથી બજાર વિસ્તારમાં કચરો લેવા વાહન લઇને નીકળશે. જેથી દુકાનોનો કચરો રાત્રે પણ એકઠો કરી યોગ્ય રીતે નિકાલ કરી શકાય. આમ કોમર્શિયલ વિસ્તારોમાંથી દિવસમાં બે વાર કચરો એકઠો કરાશે. દિવાળી તહેવારોને અનુલક્ષી નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ અને સેનેટરી ચેરમેન કૈલાસબેન એમ. પટેલ દ્વારા આ મામલે આદેશ કરાયો છે.

જેમાં વોર્ડમાં જાહેર રોડ પર આવેલ દુકાનદારો પોતાની દુકાનનો કચરો રોડ ઉપર ના નાખે તે માટે રોજ રાત્રે પાલિકાના કામદાર બે વોર્ડ દીઠ એક ટીપર વાહન સાથે કચરો લેવા આવશે. તમામ વોર્ડના જાહેર રસ્તાના કોમર્શિયલ એરિયામાંથી કચરો એકઠો કરાશે. રાત્રે સફાઈકામ કરનાર કામદારને દિવસ દરમિયાન અડધી રજા આપવામાં આવશે. આગામી 25 ઓક્ટોબરથી બીજી સૂચના ન મળે ત્યાં સુધી રાત્રે 8 વાગ્યાથી કોમર્શિયલ વિસ્તારમાં કામ પૂર્ણ થાય ત્યાં સુધી ડોર ટુ ડોર કચરા કલેકશન કરવાનો આદેશ કરાયો છે. આ માટે ગેરેજ શાખાને કુલ 4 ટીપર આપવા આદેશ કરાયો છે.

નાગલપુર વોર્ડમાં સફાઈ કામદારોની ઘટ, અન્ય વર્ગના કામદારોને દિવસો ફાળવ્યા
કોરોના હળવો થયા પછી મોટા એકમો ખુલી જતાં કેટલાક સફાઈ કામદારો હવે મોટા એકમોમાં મહિનાની સફાઈમાં પગારથી લાગી જતાં પાલિકામાં સફાઈ કામદારોમાં ઘટ વર્તાઇ રહી છે. નાગલપુર વિસ્તાર મોટો છે અને સફાઈ કામદારો ઓછા હોઇ અન્ય ચાર વોર્ડના સફાઇ કામદારોને બે-બે દિવસો નાગલપુર વોર્ડમાં બપોર પછી સફાઈ માટે ફાળવાયા છે.

અન્ય સમાચારો પણ છે...