તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાંડો ફૂટ્યો:વિસનગરમાં ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ પકડાયું

મહેસાણા/વિસનગર8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા એલસીબીએ બાતમી મળતાં ડમી ગ્રાહક મોકલતાં ભાંડો ફૂટ્યો
 • અત્યાર સુધીમાં 20 જણાને બનાવટી આધારકાર્ડ કાઢી આપ્યા: પોલીસ
 • એક વર્ષમાં 1000થી વધુ ડુપ્લીકેટ આધારકાર્ડ, પાનકાર્ડ કાઢી આપ્યાનું અનુમાન

વિસનગર શહેરમાં ડુપ્લીકેટ આધારકાર્ડ, પાનકાર્ડ કાઢી આપતા ઠગને મહેસાણા એલસીબીએ રંગેહાથ ઝડપી54 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે વિસનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી એલસીબીએ તપાસ હાથ ધરી છે. વિસનગરમાં મથુરદાસ કલબની બાજુમાં આવેલા ગોલ્ડન કોઇન કોમ્પલેક્ષ સ્થિત સંસ્કાર મોબાઇલ એન્ડ ઝેરોક્ષ નામની દુકાન આગળ રાલીસણાનો સાજીદખાન મીસરીખાન સીપાઇ પોતાના કોમ્પ્યુટરમાં ઓનલાઇન બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ જેવા સરકારી દસ્તાવેજો કાઢી આપતો હોવાની બાતમી મળતાં એલસીબી પીએસઆઇ એસ.બી. ઝાલા, એએસઆઇ રત્નાભાઇ, શૈલેશભાઇ સહિતના સ્ટાફે અહીં સૌપ્રથમ વોચ ગોઠવી હતી.

હકિકતમાં સત્યતા જણાતાં પોલીસ ખુદ ડમી ગ્રાહક બની તેની પાસે આધારકાર્ડ કઢાવવા પહોંચી હતી. સાજીદખાને નિશ્ચિત નાણાં નક્કી કરી ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપતાંની સાથે જ પોલીસે તેને ઇલેકટ્રોનિકસનાં સાધનો, સાહિત્ય, રોકડ રકમ, અલગ અલગ વ્યક્તિઓનાં આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા મળી કુલ રૂ.54,230ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જે અંગે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરવાના ઇરાદે ખોટા દસ્તાવેજ બનાવવા તેમજ આઇટી એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો.

સાજીદ વિસનગર તા.પં. ની બિલકુલ સામે છેલ્લા એક વર્ષથી બનાવટી દસ્તાવેજો બનાવી આપવાની હાટડી ચલાવતો હોવા છતાં કોઇને અણસાર ન આવ્યો તે આશ્ચર્યની બાબત છે. પોલીસના કહેવા મુજબ, સાજીદે અત્યાર સુધીમાં 20 જણાને બનાવટી આધારકાર્ડ કાઢી આપ્યા કહી રહ્યો છે. પરંતુ એક હજારથી વધુ લોકોને તેણે બનાવટી દસ્તાવેજ કાઢી આપ્યાનું મનાય છે.

પોલીસે કબજે કરેલો મુદ્દામાલ

 • બે બનાવટી આધારકાર્ડ
 • 1,મોબાઇલ,રોકડ રૂ 1610
 • રૂ.15હજારનુ ટીવી,
 • રૂ.8હજારનુ સીપીયુ
 • રૂ.3500નુ જીટીપીએલનુ વાઇફાઇ
 • સ્માર્ટ કાર્ડના કાગળો,
 • સ્માર્ટ કાર્ડના કોરા કાગળોના 30 બોક્ષ
 • સ્માર્ટ કાર્ડના પાતળા કાગળના 5 બોક્ષ
 • રૂ.20હજારનુ કાળા રંગનુ કલર પ્રિન્ટર

ડુપ્લીકેટ આધારકાર્ડના રૂ. એક હજાર લેતો હતો
બનાવટી દસ્તાવેજો કાઢી આપવામાં ઉસ્તાદ સાજીદખાન ડુપ્લીકેટ આધારકાર્ડ, પાનકાર્ડ કાઢી આપવાના ગ્રાહક દીઠ રૂ. એક હજાર લેતો હતો અને તેમાં પણ કોઇ વધુ જરૂરિયાત વાળો હોય કે પછી પૈસે ટકે સુખી વ્યક્તિ પાસેથી રૂ.1500થી 2000 પણ ખંખેરી લેતો હોવાનું ખુલ્યું છે.

સીપીયુમાંથી એકપણ ડેટા ન મળ્યો
પૂર્વ પ્લાનથી ગુનાને અંજામ આપનારા સાજીદ પાસેથી પોલીસે કબજે કરેલા પીસીમાં એક પણ ડેટા મળી આવ્યો નથી. જાણવા મુજબ, તે બનાવટી દસ્તાવેજ કાઢ્યા બાદ સેવ કરવાનું ટાળી ડેટા ડિલિટ મારી પુરાવાનો નાશ કરતો હતો. જોકે, પોલીસે કબજે લીધેલ સીપીયુ એફએસએલમાં મોકલી પુરાવા એકઠા કરવા તજવીજ કરી છે.

આ રીતે કાઢી આપતો હતો બનાવટી દસ્તાવેજ
ઝડપાયેલા સાજીદે બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને અગાઉ તે સરકારની મા વાત્સલ્ય યોજનામાં ડેટા ઓપરેટર તરીકે કામ કરતો હતો. અહીં નોકરીમાંથી નીકળ્યા બાદ તેણે બનાવટી સરકારી દસ્તાવેજો બનાવવા પ્લાન બનાવ્યો હતો. તે અન્યના આધારકાર્ડને સ્કેન કરી લેતો અને ફોટોશોપમાં જઇ તેમાં ગ્રાહકનો ફોટો અને સરનામું બદલી નાખતો હતો. સાથે આધારકાર્ડમાં 12 ડિજીટના આંકડા પણ પોતાની રીતે ફેરવીને લખી નાખતો હતો.

અન્ય સમાચારો પણ છે...