માત્ર દોઢ વર્ષના લગ્ન જીવનમાં પતિના ત્રાસથી કંટાળેલી મહેસાણા તાલુકાના મુદરડા ગામની પરિણીતાએ 28 ફેબ્રુઆરીએ રાત્રે ઘરની બાજુમાં આવેલા લીમડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. લાંઘણજ પોલીસે પતિ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહેસાણા તાલુકાના ખેરવા ગામે ભાથાણી વાસમાં રહેતા જુજારજી લીલાજી ઠાકોરની 21 વર્ષની દીકરી નેહાને દોઢ વર્ષ પૂર્વે મુદરડા ગામના ઠાકોર ધુળાજીના દીકરા કિરણજી સાથે પરણાવી હતી. લગ્નજીવનમાં તેમને છ મહિનાનો દીકરો પણ છે. ઘરના કામકાજને લઈ કિરણજી અવારનવાર પત્ની નેહાને જેમ તેમ બોલી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. 28મી ફેબ્રુઆરીએ સાંજે નેહાબેન પશુને ચારપૂળો કરતા હતા, તે સમયે કિરણજી મનફાવે તેમ બોલતાં નેહાબેને મારે હવે અહીં રહેવું નથી તેમ કહી કપડાં ભરતાં હોઇ સાસુએ રાત પડી હોવાથી સવારે જવાનું કહ્યું હતું.
ત્યાર બાદ નેહા તેના દીકરાને ખવડાવી રાત્રે 8 વાગે બહાર ગયા બાદ મોડે સુધી પરત ન આવતાં સાસરિયાંએ તપાસ કરતાં ખેતરના શેઢા ઉપર લીમડા સાથે પહેરેલી સાડીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પતિ કિરણજી અને તેમના ભાઇ નેહાની લાશને નીચે ઉતારી ઘરે લાવ્યા હતા. તે પછી કિરણજીએ તેમના સસરાને જાણ કરી હતી. આથી મુદરડા પહોંચેલા જુજારજી ઠાકોરે તેની દીકરીને ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરનાર જમાઈ ઠાકોર કિરણજી ધુળાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.