મહેસાણાના રાધનપુર રોડ પર કમળપથ નજીક શુક્રવારે બપોરે ગેસની પાઇપલાઇન તૂટતાં બનેલી આગની ઘટનાને લઈ આ વિસ્તારના 3000 જેટલા પરિવારોમાં ઘરેલુ ગેસનો પુરવઠો સતત 9 કલાક સુધી બંધ રહ્યો હતો. જેને લઇ લોકોએ સાંજે ઘેર જમવાના બદલે બહાર હોટેલ-ધાબામાં ખાવા જવું પડતાં હાલાકીનો ભોગ બન્યા હતા. રાધનપુર રોડ પર કમળપથ નજીક ગટર માટે ચાલી રહેલી ખોદકામની કામગીરી સમયે સાબરમતી ગેસની પાઇપલાઇન તૂટી જતાં લીકેજ થયેલા ગેસને કારણે બપોરે ભયાનક આગ લાગી હતી. નગરપાલિકા અને ઓએનજીસી સહિતના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી દીધી હતી.
આગની ઘટનાને લઇ દોઢ વાગે બંધ કરાયેલો ગેસનો પુરવઠો મોડી રાત્રે 10:30 કલાકે પૂર્વવત થઈ શક્યો હતો. સતત 9 કલાક સુધી 3000 જેટલા ઘરોમાં ગેસનો પુરવઠો બંધ રહેતાં આ પરિવારોમાં સાંજે ચૂલા સળગ્યા ન હતા અને ઘરે જમવાને બદલે મોટાભાગના પરિવારો બહાર જમવા માટે મજબૂર બન્યા હતા. ગેસ કંપની દ્વારા આ વિસ્તારના ગ્રાહકોને ક્યારે ગેસનો પુરવઠો ચાલુ થશે તેનો મેસેજ કે જાણ પણ ન કરાતાં હમણાં ગેસ ચાલુ થઈ જશેની રાહ જોઈ લોકો બેસી રહ્યા હતા. ગેસ કંપનીની આ ગંભીર બેદરકારીના કારણે કેટલાય પરિવારોને મોડે જમવાનો વારો આવ્યો હતો.
કેટલીક સોસાયટીઓમાં તો શનિવારે સવારે 8 વાગ્યા સુધી પણ ગેસ શરૂ નહીં થયો હોવાની રાવ ઉઠી છે. નિયત સમયે બિલની ભરપાઈ ન કરતાં પેનલ્ટી વસુલતી સાબરમતી ગેસ કંપની 10-10 કલાક સુધી લોકો હેરાન થયા તેની પેનલ્ટી ચૂકવશે? બીજી તરફ આગની આ ઘટનાને લઇ 4 બાઇકને નુકસાન થયું હતું. આ અંગે સાબરમતી ગેસના અધિકારીએ અમે પાઇપ લાઇનથી ગેસ આપવાનું કામ કરીએ છીએ, તેમાં કોઈ ખોદકામ કરીને નુકસાન કરે તો ગેસ આપનારને શું? આ લીગલ મેટર છે એમાં હું કઈ કહી શકું નહીં તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.