કાર્યવાહી:અકસ્માત સર્જનારા 50, નશો કરીને વાહન ચલાવતા 11નાં, ઓવરસ્પીડમાં 6 સહિત 69નાં ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરટીઓ અને જિલ્લા પોલીસ 17 જાન્યુઆરી સુધી માર્ગ સલામતી સપ્તાહ ઉજવશે
  • RTOએ હેલમેટ વિના બાઇક ચલાવતાં એક વાહન ચાલકનું પણ લાયસન્સ સસ્પેન્ડ કર્યું

જિલ્લા પોલીસના રિપોર્ટ આધારે આરટીઓએ 69 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સૌથી વધુ 50 વાહન ચાલકો એવા છે કે જેમનું લાયસન્સ અકસ્માતના કેસમાં સસ્પેન્ડ કરાયું છે.

જિલ્લા પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 69 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા મહેસાણા આરટીઓને રિપોર્ટ કર્યો છે. પોલીસ રિપોર્ટના આધારે આરટીઓ દ્વારા 69 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયાં છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સસ્પેન્ડ લાયસન્સના 69 કેસ પૈકી સૌથી વધુ 50 વાહન ચાલકો એવા છે કે તેમના ડ્રાઇવિંગ લાયસન્સ અકસ્માતના કિસ્સામાં સસ્પેન્ડ કરાયા છે.

આ ઉપરાંત, ડ્રંક એન્ડ ડ્રાઇવ એટલે કે નશાની હાલતમાં વાહન ચલાવનાર 11 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. ઓવરસ્પીડના કેસમાં 6 વાહન ચાલકો અને હેલમેટ વગર ટુ-વ્હિલર ચલાવનાર એક વાહન ચાલકનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું છે. ઉલ્લેખનિય છે કે, દંડાયેલા 69 વાહન ચાલકો આગામી 6 મહિના સુધી વાહન ચલાવી શકશે નહીં.

કારણદર્શક નોટિસ આપી સુનાવણી હાથ ધરાશે
દંડાયેલા 69 વાહન ચાલકોને મહેસાણા આરટીઓ દ્વારા કારણદર્શક નોટિસ આપી મુખ્ય અધિકારી સમક્ષ તમામની સુનાવણી હાથ ધરાશે. જેમાં દંડાયેલા દરેક વાહન ચાલકને તેમનો પક્ષ રજૂ કરવાનો મોકો આપવામાં આવશે. સુનાવણી દરમિયાન જો કોઇ વાહન ચાલક પોતાની જાતને નિર્દોષ સાબિત કરતાં પુરાવા રજૂ કરી શકશે તો તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ પરત અપાશે અને જો દોષિત સાબિત થશે તો આગામી 6 મહિના સુધી તેમનું લાયસન્સ આરટીઓના કબજે રહેશે. 6 મહિનાની મુદત પૂરી થતાં વાહન ચાલકોને તેમનું લાયસન્સ પરત આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...