હુમલો:અમદાવાદ સિવિલથી આવતી ST બસના ડ્રાઇવર કંડક્ટર પર વિજાપુરમાં ટોળાનો હુમલો, કાચ ફોડ્યા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થી સહિત 25ના ટોળા સામે રાયોટિંગ અને લૂંટની ફરિયાદ નોંધાઇ, 2 શખ્સની ધરપકડ
  • ગાંધીનગરથી બેસવાની તકરારમાં વિદ્યાર્થીએ બોલાવેલું ટોળુ તૂટી પડ્યું, લોકોએ બંનેને છોડાવ્યા

અમદાવાદ સિવિલથી વિજાપુર એસટી બસના કંડક્ટર સાથે વિજાપુરના વિદ્યાર્થીએ બસમાં બેસવા બાબતે ઝઘડો કરીને બોલાવેલા અન્ય માણસોના ટોળાએ એસટીને બાનમાં લઈ ડ્રાઇવર, કંડક્ટર પર હુમલો અને તોડફોડ કરતાં મોડી સાંજે વિજાપુર શહેરમાં હોબાળો મચી ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મામલો શાંત પાડી વિદ્યાર્થી સહિત 25 જણના ટોળા સામે લૂંટ અને રાયોટિંગનો ગુનો નોંધ્યો છે.

વિજાપુર એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ઝાલા કંડક્ટર કલ્પેશ ઠાકોર સાથે અમદાવાદ સિવિલથી વિજાપુર બસ લઈને નીકળ્યા હતા. ગાંધીનગર આવતાં બસ ખીચોખીચ ભરેલી હોવા છતાં દરવાજે લટકેલા વિજાપુરના સાહિલ પરમાર નામના વિદ્યાર્થીને કંડક્ટરે અંદર આવી જવાનું કહેતાં તેમજ વિદ્યાર્થી પાસ જોવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી.

બસમાં મામલો થાળે પડી ગયો હતો, પરંતુ બસ વિજાપુર શહેરમાં પ્રવેશતાંની સાથે જ સાહીલે બોલાવેલા તેના મિત્ર જૈમીન પરમાર સહિત 25 જણના ટોળાએ લાકડી અને ધોકા જેવા હથિયારો બતાવી બસને અટકાવી હતી કંઈ સમજે તે પહેલાં ટોળું એસટી બસ અને બંને કર્મચારીઓ ઉપર તૂટી પડ્યું હતું, જેમાં બસના કાચ તોડી નાખ્યા હતા. જ્યારે કંડક્ટર કલ્પેશ ઠાકોરને ગડદાપાટુનો માર મારી, ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ ઝાલા પાસેના રૂ.5 હજાર લૂંટી લીધા હતા.

બીજી તરફ ટોળાએ હથિયારો સાથે કરેલા હુમલાને પગલે બસમાં સવાર મુસાફરો ગભરાઇ ગયા હતા. બૂમાબૂમ અને હોબાળો થતાં આસપાસના લોકો ડ્રાઇવર કંડક્ટરને છોડાવવા દોડી આવ્યા હતા. આ સમયે કોઈ મુસાફરે પોલીસને ફોન કરતાં દોડી આવેલી પોલીસને જોઈ ટોળું નાસી ગયું છૂટ્યું હતું.

પોલીસે ડ્રાઇવર- કંડક્ટરને વિજાપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં કંડક્ટર કલ્પેશ હેમતાજી ઠાકોરની ફરિયાદને આધારે પોલીસે સાહિલ કિશનભાઇ પરમાર અને જૈમીન ઉર્ફે ભૂરો દશરથભાઈ પરમાર અને 25ના ટોળા સામે રાયોટિંગ અને લૂંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મુખ્ય બે આરોપીને પોલીસે ઝડપી લીધા
કંડક્ટર સાથે તકરાર કરી હુમલો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર સાહિલ પરમાર અને ટોળા સાથે હુમલો કરનાર જૈમીન પરમારને પીઆઈ વનરાજસિંહ ચાવડા અને ટીમે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...