પાલિકામાં રજૂઆત:મહેસાણા લકીપાર્ક વિસ્તારનું ડ્રેનેજ પમ્પિંગ ખોટવાતાં ગટરો ઊભરાઇ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એજન્સીની ખાડે ગયેલી કામગીરીથી શહેરીજનો હેરાન
  • 7 સોસાયટીના રહીશો અસહ્ય દુર્ગંધથી કંટાળ્યા,પાલિકામાં રજૂઆત

મહેસાણાના મોઢેરા રોડ પર લકીપાર્ક ખાતે આવેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં સોમવારે મોટર બળી ગયાના બીજા દિવસે પણ પમ્પિંગ સ્ટેશન ચાલુ નહીં થતાં ગટરનાં ગંદાં પાણી લકીપાર્ક આસપાસની 7 સોસાયટીઓને જોડતા રસ્તામાં ભરાઇ ગયું હતું. છેલ્લા બે દિવસથી અસહ્ય દુર્ગંધ અને ગંદા પાણીમાંથી રહીશોને પસાર થવું પડી રહ્યું હોઇ આ સમસ્યા હલ કરવા મંગળવારે વિસ્તારના નગરસેવક અને શાસક પક્ષના નેતા કિર્તીભાઇ પટેલે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. જેને પગલે ગટરની સમસ્યા હલ કરવા તંત્ર આયોજનમાં લાગ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, વર્ષે ગટર સફાઇ અને પમ્પિંગ નિભાવણી માટે રૂ. એક કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છતાં વારંવાર પમ્પિંગ સ્ટેશન ખોટવાતાં હોવાની તેમજ ગટરોનાં ગંદા પાણી ઉભરાવાની સમસ્યા રોજિંદી બની ગઇ છે. આમ છતાં, ખાડે ગયેલા પાલિકા તંત્ર દ્વારા એજન્સીને માત્ર નોટિસ આપી અને કેટલાક કિસ્સાઓમાં સામાન્ય પેનલ્ટી કરી નક્કર પગલાં લેવામાં હાથ ખંખેરી લેે છે.

શહેરના લકીપાર્ક ડ્રેનેજ પાણી નિકાલના પમ્પિંગ સ્ટેશનમાં સોમવારે મોટર બળી જતાં પમ્પિંગ બંધ થવાથી ગટરનાં ગંદા પાણી કુંડીઓથી ઉભરાઇને આસપાસની સોસાયટીઓના રસ્તાઓ પર રેલાયા હતા. પાલિકાની એજન્સી દ્વારા બીજી મોટર પમ્પિંગ સ્ટેશનમાં ઉતારી પણ તેની પાઇપ પડી જતાં પમ્પિંગ કામ ખોરંભે ચઢ્યું હતું.

બીજી વ્યવસ્થા કરી પમ્પિંગ ચાલુ કરવા આખો દિવસ મથામણ કરાઇ હતી. જેને લઇ સોમવારે અને મંગળવાર આખો દિવસ લકીપાર્ક પાછળના રસ્તે આવેલી તિરૂપતિ, કુમકુમ, કામેશ્વર સોસાયટી, ચંદ્રલોક, રઘુવીર સોસાયટી, મોઢેરાનગર, પૂજન કોમ્પલેક્ષ પાસે નારાયણ સોસાયટીને જોડતા રસ્તા ઉપર ગંદું પાણી ફરી વળ્યું હતું. જેનો કોઇ નિકાલ નહીં થતાં રાહદારી સહિતને નાછુટકે તેમાંથી પસાર થવાની ફરજ પડી હતી.

તસવીર મોઢેરા રોડ પરના લકીપાર્ક પાછળની છે. અહીં છેલ્લા બે દિવસથી ગટરનાં ગંદાં પાણી ભરાયેલાં છે. જેનો બબ્બે દિવસ થવા છતાં નિકાલ નહીં થતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને આ પાણીમાંથી પસાર થવું પડે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વારંવાર ગટર ઉભરાવી તેમજ પમ્પિંગ સ્ટેશન ખોટવાયાની સમસ્યામાં નગરપાલિકા એજન્સીને નોટિસ આપીને છાવરી રહી છે. જેનો ભોગ છેવટે શહેરીજનો બની રહ્યા છે. સમસ્યા અંગેના કારણો, ખુલાસા કે સામાન્ય પેનલ્ટી વસૂલી પાલિકાની જવાબદારીમાંથી હાથ ખંખેરવાની નીતિ સામે લોકોમાં રોષ છે.

અન્ય સમાચારો પણ છે...