મહેસાણાના સોમનાથ રોડ ગજાનન સોસાયટીએ વિના વળતરે ડી.પી રોડ નગરપાલિકાને સુપ્રત કરતાં તંત્ર દ્વારા ગુરુવારે 18 મીટરના ડી.પી રોડમાં આવતા બાવળીયા, ઝાડીઓ અને એક મકાનના રેમ્પને જેસીબીથી દૂર કરીને ડી.પી રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
સોમનાથ રોડ નજીક સાતેક સર્વે નંબરમાથી ડી.પી રોડ નીકળે છે. જે પૈકી બે સર્વે નંબરમાં બાંધકામ થયેલા છે. જેમાં સોમેશ્વર કુંજ અને ગંજાનન સોસાયટીનો સમાવેશ થાય છે. ત્યારપછીના સર્વે નંબરોમાં હાઉસિંગની વગેરે બિનવપરાશ કે ખેત જમીન ખુલ્લી પડી છે. ત્યાં બે સોસાયટી પૈકી ગજાનન સોસાયટીએ પાલિકાને વિનાવળતરે ડી.પી રોડ સુપ્રત કરતા પાલિકાએ રોડમાં નડતરરૂપ દૂર કરીને હાલ ખુલ્લો કરાયો છે.
જોકે બાકીના 6 સર્વે નંબરમાં યથાવત સ્થિતિ છે. સોમેશ્વર કુંજ સોસાયટીનો ડી.પી રોડ મામલો કોર્ટમાં છે. ત્યાં એક સાથે બધા સર્વે નંબરમાં ડી.પી રોડ ખુલ્લો ન થાય ત્યાં સુધી નવો રોડ બનાવવાનું આયોજન થઇ શકે તેમ નથી. હાલ પાલિકાએ આ દિશામાં કોઇ ગ્રાન્ટ જોગવાઇ કે સભામાં કામ પણ લીધું નથી. ત્યાં એક સોસાયટીમાંથી ખુલ્લા કરાયેલ ડી.પી રોડનો હેતુ કેટલા અંશે કારગત નિવડશે, શું આ સમય, શક્તિનો વેડફાટ છે કે શું તેને લઇને પણ નગરપાલિકામાં ચર્ચાઓ થવા લાગી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.