બોધ:દાન અતિશય કરીએ, પણ માન અંશ ના કરીએ : રાજપુણ્યવિજયજી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના ઉપનગર જૈન સંઘના પ્રેરણામૃતમાં મુનિરાજએ જીવનમાં દાનનું મહત્વ સમજાવ્યું

ઉપનગર જૈન સંઘ ખાતે મંગળવારના પ્રેરણામૃતમાં મુનિરાજ શ્રી રાજપુણ્યવિજયજી મ.સા.એ કહ્યું હતું કે, એક અનુભવની વાત સમજવા જેવી છે. લોકોને બેંકમાં રૂપિયા જમા કરાવવાનું મન કેમ થાય છે ? કારણ એ જ કે ત્યાં સલામતીની અનુભૂતિ થાય છે. સાથે સાથે થોડા વધીને પાછા મળે છે એવું તેઓ સમજે છે. એટલે હોંશે હોંશે બેંકમાં જમા કરાવે છે. પણ દાન કરે ત્યારે ઓછા થાય છે એવો અનુભવ લોકોને છે, એટલે તરત દાન કરવાનું મન થતું નથી.

બીજી એક વાત પણ સમજવા જેવી છે કે, જ્યારે પણ દાન કરીએ ત્યારે એવું નથી વિચારવાનું કે, હું દાન કરું છું. આ સંદર્ભમાં સમ્રાટ અકબરનાં અંગત સલાહકાર અબ્દુલ રહેમાનની એક સરસ ઘટના છે. અબ્દુલ જ્યારે પણ દાન કરે ત્યારે શરમને,લીધે તેમનું માથું ઝૂકી જતું હતું.લોકો તેમને પૂછતા કે,આવું શા માટે?ત્યારે તેઓ, સરસ જવાબ આપતા કે,સંપત્તિ આપનાર તો ખરેખર પ્રભુ છે,તેઓ દિવસ-રાત બસ આપતા જ રહે છે,પરંતુ લોકો મને દાતા માને છે,એટલે મારી આંખો ઝૂકી રહી છે. આવી અદભુત નમ્રતા દરેક દાનવીરે શીખવા જેવી છે.અને જીવનમાં ગ્રહણ કરવા જેવી છે.જેથી પુણ્ય મેળવી શકાય.

એક દાનવીરે તો આનાથી પણ એક સ્ટેપ આગળ વધીને જોરદાર વાત કહી છે. ખરેખર આ વાત અંતર પર સદાને માટે અંકિત કરવા જેવી છે કે, એક માણસ મારી પાસે રોટલી લેવા આવ્યો. મેં તેને એક જ રોટલી આપી અને તેણે એક રોટલીની સામે મને કરોડો રૂપિયાની દુઆ આપી. મને ખ્યાલ ન આવ્યો કે, ખરેખર ગરીબ તે હતો કે હું હતો ? બસ અંતમાં એક વાક્યને સૂક્ષ્મતાથી સમજીએ, દાન અતિશય કરીએ, પણ માન અંશ ના કરીએ.

અન્ય સમાચારો પણ છે...