• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Dominance Of Single Family In Suburban Ward For 24 Years: Mother in law Then Father in law, Younger Daughter in law And Now Elder Daughter in law Became Corporators

24 વર્ષથી એક જ પરિવારનો દબદબો:મહેસાણાના પરા વોર્ડમાં સાસુ પછી સસરા, નાની પુત્રવધૂ અને હવે મોટી પુત્રવધૂ કોર્પોરેટર બન્યાં

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મત ગણતરી સેન્ટરમાંથી બહાર નીકળતાં ફાલ્ગુનીબેન સ્વ. સેજલબેનની દીકરી ખુશી અને સાસુ લીલાબેનને ભેટીને રડી પડ્યાં હતાં. - Divya Bhaskar
મત ગણતરી સેન્ટરમાંથી બહાર નીકળતાં ફાલ્ગુનીબેન સ્વ. સેજલબેનની દીકરી ખુશી અને સાસુ લીલાબેનને ભેટીને રડી પડ્યાં હતાં.
  • ઉ.ગુ.માં પાલિકામાં ભાજપને 25 અને કોંગ્રેસને 5, તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 8, ભાજપને 4 અને આઆપને 1 તેમજ જિ.પં.ની એક બેઠક ભાજપના ફાળે
  • મહેસાણા વોર્ડ નં.11માં ભાજપનાં ફાલ્ગુનીબેન પટેલ 1899 મતે જીત્યાં
  • વિજેતા ઉમેદવાર ફાલ્ગુનીબેન સાસુને ભેટી રડી પડ્યાં

મહેસાણા નગરપાલિકાના વોર્ડ નં.11માં ભાજપનાં સેજલબેન પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠક ઉપર તેમનાં જેઠાણી ફાલ્ગુનીબેન ગૌરવભાઇ પટેલ (ભૂરી) 1899 મતની જંગી બહુમતીથી જીત્યાં છે. નોંધનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં સેજલબેન પટેલે 3777 મત મેળવી 1391 મતની લીડથી આ બેઠક જીતી હતી. જોકે, ચૂંટાયાના બે મહિના બાદ તેમનું અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. જેની પેટાચૂંટણીમાં જેઠાણી ફાલ્ગુનીબેન પટેલે 3576 મત મેળવી 1899 મતની લીડથી જીત હાંસલ કરી છે.

છેલ્લા 24 વર્ષ એટલે કે 6 ટર્મમાં આ બેઠક ઉપર એક જ પરિવારનો દબદબો રહ્યો છે. રમેશભાઇ પટેલ (ભૂરી) ચાર ટર્મ, તેમનાં પત્ની લીલાબેન પટેલ એક ટર્મ (પાલિકા પ્રમુખ) અને ત્યાર બાદ નાની પુત્રવધૂ સેજલબેન અને હવે મોટી પુત્રવધૂ ફાલ્ગુનીબેન પટેલે જીતી પરિવારનો રાજકીય વારસો જાળવી રાખ્યો છે. રમેશભાઇ અને તેમનાં પત્ની કોંગ્રેસમાંથી, જ્યારે તેમની બંને પુત્રવધૂઓ ભાજપમાંથી ચૂંટાયાં છે. રમેશભાઇ ગત ટર્મમાં ભાજપમાં જોડાયા હતા.

પાલિકાના સિવિક સેન્ટરમાં હાથ ધરાયેલી મત ગણતરી 5 રાઉન્ડના અંતે 35 મિનિટમાં પૂરી થઇ હતી. ચૂંટણી અધિકારી એમ.બી. પટેલે જણાવ્યું કે, કુલ 6299 મતમાંથી ભાજપનાં ફાલ્ગુનીબેન ગૌરવભાઇ પટેલ (ભૂરી)ને 3576 મત, આપનાં ભાવનાબેન સનતભાઇ પટેલને 1677 મત અને કોંગ્રેસનાં શિલ્પા પરબતભાઇ પટેલને 921 મત મળ્યા છે. જ્યારે નોટામાં 125 મત પડ્યા છે. વિજેતા ફાલ્ગુનીબેન પટેલે કહ્યું કે, આ ભાજપ, કાર્યકરો અને વિસ્તારના નાગરિકોના સહકારનો વિજય છે, વિસ્તારમાં વિકાસ કામો આગળ ધપાવીશું.

નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલ, કારોબારી ચેરમેન કૌશિક વ્યાસ, સદસ્ય કનુભાઇ પટેલ, દેવેશ પટેલ, ભારતીબેન ઠાકોર (ટીનાભા), સંજય બ્રહ્મભટ્ટ સહિત કાર્યકરોએ વિજયના વધામણા કર્યા હતા અને ખુલ્લીજીપમાં વિજયયાત્રા બજાર માર્ગ થઇ પરા વિસ્તારમાં સમાપન થઇ હતી. 24 વર્ષથી રમેશ પટેલ( ભૂરી) પરિવારના સદસ્ય પાલિકામાં : મહેસાણા નગરપાલિકામાં સતત 24 વર્ષથી પરા વોર્ડમાંથી રમેશ ભૂરી પરિવારમાંથી સદસ્ય ચૂંટાઇને પાલિકા કોર્પોરેટર બનેલા છે.

જેમાં વર્ષ 1997 થી વર્ષ 2000 સુધી રમેશભાઇના પત્નિ લીલાબેન કોર્પોરેટર રહ્યા, આ દરમ્યાન લીલાબેન પટેલ વર્ષ 1998-99માં પાલિકા પ્રમુખ રહ્યા.ત્યારપછી વર્ષ 2000 થી વર્ષ 2020 સુધી ચાર ટર્મમાં રમેશભાઇ પટેલ(ભૂરી) કોર્પોરેટર તરીકે ચૂટાઇને પાલિકા સદસ્યમાં રહ્યા.આ દરમ્યાન વર્ષ 2000 થી 2002ના દરમ્યાન તેઓ ઉપપ્રમુખપદે રહ્યા હતા. બાદમાં વર્ષ 2021ની સામાન્ય ચૂ઼ટણીમાં તેમના પુત્રવધુ સેજલબેન પટેલ અને હાલ ઓક્ટોબરની ચૂ઼ટણીમાં બીજા પુત્રવધુ ફાલ્ગુનિબેન પટેલ પાલિકાના કોર્પોરેટર થયા છે.

નવા પરા બુથ નં.10માં કોંગ્રેસને એકે મત ન મળ્યો
14 બુથ પૈકી નવા પરા (અંબાજી પરા) વિસ્તારના નં. 11માં કુલ 425 મત પૈકી ભાજપને 288 અને આપને 135 મત મળ્યા હતા. જ્યારે 2 મત નોટામાં પડ્યા હતા. કોગ્રેસને આ બુથમાં એક પણ મત મળ્યો ન હતો.

આપ-કોંગ્રેસના કુલ કરતાં 978 વધુ મત ભાજપને મળ્યા
આ બેઠકમાં આપ અને કોંગ્રેસના મળીને કુલ 2598 મત થાય છે. જ્યારે ભાજપને 3576 મત મળતાં આપ અને કોંગ્રેસના કુલ મત કરતાં ભાજપને 978 વધુ મત મળ્યા છે.

ગણતરીના ત્રીજા રાઉન્ડમાં EVM ચાલુ ન થતાં ઉચાટ
મત ગણતરીના ત્રીજા રાઉન્ડમાં ટેબલ નં.2માં ઇવીએમ ચાલુ ન થતાં ચૂંટણી અધિકારી દોડી આવ્યા હતા. જોકે, સ્વીચ ફરી દબાવતાં ત્રણેક મિનિટમાં ચાલુ થઇ જતાં મત ગણતરી આગળ વધી હતી.