તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડવાઇઝ ભાજપ-કોંગ્રેસ સહિત હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ જતાં હવે પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. આ ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં બંને પક્ષોએ વોર્ડમાં જ્ઞાતિ સમીકરણોને ખાસ ધ્યાને રાખ્યા છે. 11 વોર્ડ પૈકી 7 વોર્ડમાં પાટીદારોનું પ્રભુત્વ છે. તો 4 વોર્ડ અન્ય જ્ઞાતિના મતદારોનો ગઢ છે. 11 વોર્ડની 44 બેઠકમાં ત્રીજા ભાગથી વધુ બેઠકો પર એટલે કે ભાજપે 18 અને કોંગ્રેસે 17 પાટીદાર ઉમેદવારો ઉતાર્યા હતા. વોર્ડ નં.8માંથી કોંગ્રેસના એકે ફોર્મ પરત ખેંચતાં હવે 16 થયા છે.
વોર્ડ નં.1 : ડેરીરોડ-મગપરા
ડેરી રોડ, મગપરા, સરદારનગર, રાધનપુર ચાર રસ્તા વગેરે વિસ્તારને આવરી લેતા વોર્ડ નં.1માં કુલ 14,036 મતદારો છે. જેમાં સૌથી વધુ 2900 પાટીદાર, 2200 ઠાકોર મતદારોનું પ્રભુત્વ છે. ભાજપમાંથી બે પટેલ, એક સોલંકી અને એક ઠાકોર ઉમેદવાર, તો કોંગ્રેસમાંથી એક પટેલ, એક ઝાલા અને એક ચૌધરી ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
વોર્ડ નં.2 : હીરાનગર- સોમનાથ ચોક
સૌથી વધુ અનુસુચિત જાતિની વસ્તી ધરાવતા આ વોર્ડમાં પરમાર, સોલંકી, મકવાણા સહિત અનુ. જાતિના 4500થી વધુ મતદારો છે. કુલ 16,783 મતદારોમાં સૌથી વધુ અનુસૂચિત જાતિના મતદારોનું પ્રભુત્વ ધરાવતા વોર્ડમાં ભાજપે ત્રણ અનસુચિત જાતિ અને એક બક્ષીપંચમાંથી ચૌધરી, તો કોંગ્રેસે ત્રણ અનુસુચિત જાતિ અને એક લઘુમતી ઉમેદવારને ચૂંટણીમાં ઉતાર્યા છે.
વોર્ડ નં.3 : માનવઆશ્રમ
માનવ આશ્રમ, વિસનગર લીંક રોડને આવરી લેતા વોર્ડ નં.3માં કુલ 15,860 મતદારો છે. જેમાં સૌથી વધુ 2700થી વધુ પાટીદાર મતદારો છે. ત્યાર પછી 800 પ્રજાપતિ, 700 ચૌધરી અને 500થી વધુ ઠાકોર મતદારો છે. આ વોર્ડમાં ભાજપમાંથી બે પટેલ, એક ચૌધરી અને એક ચાવડા, તો સામે કોંગ્રેસમાંથી બે પટેલ, એક પ્રજાપતિ અને એક ચાવડા ચૂંટણી લડી રહ્યા છે.
વોર્ડ નં.4 : તોરણવાળી, પિલાજીગંજ
રાજમહેલ રોડથી તોરણવાળી, પિલાજીગંજ, આઝાદચોક સુધીના બજાર વિસ્તારને આવરી લેતા આ વોર્ડમાં કુલ 12,047 મતદારો છે. સૌથી વધુ 900 ઠાકોર, 750 પ્રજાપતિ, 700 બારોટ, 450 શાહ મતદારો છે. ભાજપે બારોટ, બ્રાહ્મણ, વાઘેલા અને અનુ. જાતિના 1-1 ઉમેદવાર મૂક્યા છે. તો કોંગ્રેસે બારોટ, અનુ. જાતિ, ઠાકોર, પ્રજાપતિ ઉમેદવારને ટિકિટ આપી છે.
વોર્ડ નં.5 : રાધનપુર રોડ
નગરપાલિકાની હદમાં અડધા રાધનપુર રોડ એરિયાની સોસાયટીઓને આવરી લેતા આ વોર્ડમાં કુલ 12,481 મતદારો છે. જેમાં સૌથી વધુ 4130 કરતાં વધુ પાટીદાર મતો છે. અહીં 1300 કરતાં વધુ ઠાકોર મતદારો બીજા ક્રમે છે. પાટીદારોનો ગઢ મનાતા આ વોર્ડમાં ભાજપે ત્રણ પટેલ અને એક રાઠોડ, તો કોંગ્રેસે ત્રણ પટેલ અને એક ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.
વોર્ડ નં.6 : માલ ગોડાઉન, મોઢેશ્વરી
માલ ગોડાઉન- મોઢેશ્વરીને આવરી લેતાં પાટીદારોની વધુ વસ્તી ધરાવતા વોર્ડમાં કુલ 12,973માં 50 ટકા જેટલા એટલે કે 5800થી વધુ મતદારો પાટીદારો છે. અહીં ત્યાર પછી 1000 જેટલા પ્રજાપતિ અને 650થી વધુ ઠાકોર મતદારો છે. વોર્ડમાં ભાજપે ત્રણ પટેલ અને એક પ્રજાપતિ, જ્યારે કોંગ્રેસે પણ ત્રણ પટેલ અને એક પ્રજાપતિ ઉમેદવારને ટિકિટ આપી છે.
વોર્ડ નં.7 : મોઢેરા રોડ
મોઢેરા રોડ, નાગલપુર પ્રાથમિક શાળાને આવરી લેતા વોર્ડમાં કુલ 14,292 મતદારોમાં 40 ટકાથી વધુ એટલે કે 6300થી વધુ પાટીદાર મતદારોનો વિસ્તાર હોઇ વર્ષોથી પટેલનો ગઢ રહ્યો છે. અહીં 1200 થી વધુ પ્રજાપતિ મતદારો છે. વોર્ડમાં ભાજપે ત્રણ પટેલ અને એક પ્રજાપતિ, તો સામે કોંગ્રેસે ચારેય પટેલ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
વોર્ડ નં.8 : ગાયત્રી મંદિર-રામબાગ
ગાયત્રી મંદિર રોડને આવરી લેતા વોર્ડમાં કુલ 15,032 મતદારો છે. જેમાં સૌથી વધુ પટેલ 2600, પ્રજાપતિ 1800, ઠાકોર 532, દેસાઇ 650 હોઇ પાટીદાર અને બક્ષીપંચ મતદારોનું પ્રભુત્વ છે. ભાજપે પટેલ, પ્રજાપતિ, દેસાઇ અને ગોસ્વામી, તો કોંગ્રેસે પટેલ, રબારી, પ્રજાપતિ અને ઠાકોરને ટીકિટ આપી છે. કોંગ્રેસના રબારી,પટેલ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા.
વોર્ડ નં.9 : ટીબી રોડ, બીકે સિનેમા
ટીબી રોડ, બીકે સિનેમા, ઋતુરાજ ચોક સહિતના વિસ્તારને આવરી લેતા વોર્ડ નં.9માં કુલ 13251 મતદારો છે. જેમાં સૌથી વધુ 1550 પ્રજાપતિ, 1300 શાહ, 1200 પટેલ, 700 બ્રાહ્મણ, 400 બારોટ મતદારો છે. આથી ટિકિટ ફાળવણીમાં બંને પક્ષે ધ્યાન રાખ્યું છે. ભાજપે વ્યાસ, બ્રહ્મભટ્ટ, પટેલ અને શાહ, જ્યારે કોંગ્રેસે જાની, દેસાઇ, ઠાકોર અને શાહ ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.
વોર્ડ નં.10 : કસ્બા શોભાસણ રોડ
કસ્બા, રોહિતવાસ, વણકરવાસ, શોભાસણ રોડને આવરી લેતાં આ વોર્ડમાં કુલ 13,243 મતદારો છે. જેમાં સૌથી વધુ ઠાકોર 1200, પરમાર 1000, દેવીપૂજક 850, પઠાણ 800 મતદારો છે. બક્ષીપંચ, અનસુચિત જાતિ અને લઘુમતી મતોનું પ્રભુત્વ છે. અહીં ભાજપે વ્હોરા, પરમાર, ઠાકોર અને ભીલ ઉમેદવારને, તો કોંગ્રેસે ચૌહાણ, પટેલ, પઠાણ અને ભીલ ઉમેદવારને ટિકિટ આપી છે.
વોર્ડ નં.11 : પરા, લાખવડી ભાગોળ
પરા, ઉચરપી રોડ અને લાખવડી ભાગોળને આવરી લેતો વોર્ડ નં.10 પાટીદાર મતદારોનો ગઢ રહ્યો છે. આ વોર્ડમાં સૌથી વધુ 3500 પાટીદાર, 1600થી વધુ ઠાકોર, દેવીપૂજક 650, પ્રજાપતિ 600 જેટલા મતદારો છે. અહીં ભાજપમાંથી ત્રણ પટેલ અને એક ઠાકોર, જ્યારે કોંગ્રેસમાંથી બે પટેલ, એક ચૌહાણ અને એક નાયક ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.