તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી સાથે કચેરીઓ કાર્યરત:કોરોના પછી કચેરી ખુલતાં દસ્તાવેજ નોંધણી વધી

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા મામલતદાર કચેરીમાં સબ રજીસ્ટ્રારમાં દસ્તાવેજ માટે અપાતાં ટોકનની સંખ્યા 38 થી વધારીને 70 કરાઇ
  • સંક્રમણ ન ફેલાય તેની સાવચેતી સાથે કચેરીઓ કાર્યરત, આધાર સેન્ટરમાં રોજ 40ને જ એપોઇન્ટમેન્ટ અપાય છે

કોરોના સંક્રમણ હળવું થતાં સરકારી કચેરીઓ હવે 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત થઇ ગઇ છે. જોકે, કોરોના હજુ સાવ ગયો ન હોઇ સાવચેતીના ભાગરૂપે વિવિધ શાખાઓમાં અરજદારોને એકસાથે એન્ટ્રી ન આપતાં ક્યાંક બે-ત્રણને, તો ક્યાંક બારીએથી કામકાજ નિપટાવાઇ રહ્યું છે.

મહેસાણા મામલતદાર કચેરી સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીમાં ઓન લાઇન ટોકન પહેલાં રોજ 38ને અપાતાં હતાં, પરંતુ હવે આ સંખ્યા વધારીને 70 કરાઇ છે. જેમાં અરજદારોને ટોકન આપી બારીએથી દસ્તાવેજ નોંધણીનું કામકાજ ચાલુ કરાયું છે. તો આધાર સેન્ટરમાં નવું આધારકાર્ડ કઢાવવા કે સુધારા માટે રોજ 40 અરજદારોને એપોઇન્ટમેન્ટ મુજબ કામગીરી કરાઇ રહી છે. જેમાં કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરાય છે.

સબ રજીસ્ટ્રાર કચેરી ઓફિસમાં બેઠાં સાક્ષીઓની ખરાઇ
સબ રજીસ્ટ્રાર કચેરીમાં સામાન્ય દિવસોમાં દસ્તાવેજ નોંધણીમાં પક્ષકાર, સાક્ષીઓને અંદર જ સબ રજીસ્ટ્રાર આગળ કેમેરા સામે ફોટો અને કબૂલાતનામાની કામગીરી થતી. હવે આ કાર્યપદ્ધતિ કોરોનામાં બંધ કરી સબ રજીસ્ટ્રારની બેઠક સામેની બારી ખોલી બહાર જ લાઇનમાં પક્ષકાર, સાક્ષીઓને ફોટો સાથે કબુલાત નામાની ખરાઇ અંદર બેઠા સબ રજીસ્ટ્રાર કરી લે છે. તો સામાજિક અંતર જાળવવા બારી આગળ દોરડું બાંધવામાં આવ્યું છે. સબ રજીસ્ટ્રાર અશોકભાઇ ચૌહાણે કહ્યું કે, પહેલા ગરવી ગુજરાત વેબસાઇટ પર પક્ષકારો નોંધણી ફી, નકલ ફી ભરે તેમાં રોજ 38 ને કચેરીએ આવવાનો મેસેજ કરી ઓનલાઇન ટોકન ફાળવતાં, હવે સોમવારથી 100 ટકા સ્ટાફ સાથે કામકાજ શરૂ થતાં રોજ 70 ચલણ જનરેટ કરાઇ રહ્યા છે.

આધાર સેન્ટર માત્ર ત્રણ-ચારને જ અપાય છે એન્ટ્રી
સોમવારથી મામલતદાર કચેરીમાં આધાર સેન્ટર શરૂ થયું છે. જોકે, નવું આધારકાર્ડ કઢાવવા, નામ, સરનામા વગેરેમાં ફેરફાર, અપડેટ માટે ask.uidai.gov.in ઉપર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની રહે છે. જેમાં સમય, દિવસ સાથેની જનરેટ થયેલી સ્લીપની કોપી કાઢી આધાર સેન્ટરે જવાનું હોય છે. જ્યાં આધાર સેન્ટરના કર્મી એપોઇન્ટમેન્ટ કોપીમાં દર્શાવેલ બારકોડ સ્કેન કરશે અને પછી અરજદારએ સૂચિત આધારકાર્ડની કામગીરી કરી આપશે. મહેસાણા મામલતદાર કચેરી સ્થિત આધાર સેન્ટરના કર્મીએ કહ્યું કે, હાલમાં રોજ 40ને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ અપાતી હોય છે. જેમાં અંદર ત્રણ-ચારને જ એન્ટ્રી આપી કામકાજ કરાય છે.

કલેકટર કચેરી એકથી બીજા માળના આંતરિક દરવાજા ખોલી દેવાતાં કર્મચારીઓને મોટી રાહત
બહુમાળી ભવન કલેકટર કચેરીના પાંચ બ્લોકમાં કોરોના સંક્રમણના કારણે એક થી બીજા બ્લોકમાં આવન જાવન માટેના બંધ કરાયેલા દરવાજા હવે કોરોના હળવો થતાં ખોલી દેવાયા છે. જોકે, કોરોનાના કારણે હવે આ લોબીમાં ખાસ ચહલ પહલ ઓછી દેખાય છે. આ દરવાજા ખોલવામાં આવતાં ખાસ કરીને કર્મચારીઓને કામકાજ માટે એકથી બીજા બ્લોકમાં આવન જાવન માટે મોટી રાહત થઇ ગઇ છે. તો અરજદારોને પણ અવરજવર માટે સરળતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...