રાજ્ય સરકારે મિલકતોના જંત્રીદરમાં બે ગણો વધારો કર્યા બાદ 11 ફેબ્રુઆરીથી થનાર અમલ 15 એપ્રિલથી કરવાનો નિર્ણય કરતાં હાલ જૂના જંત્રીદરે મિલકતના દસ્તાવેજની નોંધણીમાં ઉછાળો આવ્યો છે. મહેસાણા સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીમાં રોજ 75 અરજદારોને એપોઇન્ટમેન્ટ મળતી હતી, જે 11 ફેબ્રુઆરીથી વધીને રોજની 108 જેટલી એપોઇન્ટમેન્ટ મળી રહી છે, કામકાજના સમયમાં પણ એક કલાકનો વધારો કરી દેવાયો છે.
જમીનો, સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઇડલાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે સરકાર દ્વારા નક્કી કરાતી હોય છે. સરકારે ગત 4 ફેબ્રુઆરીના રોજ જંત્રીદરમાં બે ગણો વધારો જાહેર કર્યો હતો. જેને પગલે બિલ્ડરો સહિત વિવિધ સંગઠનોની રજૂઆતોને પગલે સરકારે 11 ફેબ્રુઆરીના બદલે નવી જંત્રીનો અમલ 15 એપ્રિલથી કરવાની જાહેરાત કરી હતી. આથી લોકોને દસ્તાવેજ નોંધણીમાં અઢી મહિના જેટલો સમય મળી રહેતાં પ્લોટ, સ્કીમોના મકાનના દસ્તાવેજો ઝડપથી કરવા લાગ્યા છે.
મહેસાણા મામલતદાર કચેરી સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરીના સૂત્રો મુજબ, ગત જાન્યુઆરીમાં તાલુકામાં કુલ 1454 દસ્તાવેજ થયા હતા. તેની સામે ફેબ્રુઆરીથી અત્યાર સુધીના દોઢ મહિનામાં 2750 દસ્તાવેજ થયા છે. હજુ માર્ચ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે વધુ એક હજાર દસ્તાવેજનો ઉમેરો થશે. હાલ જૂની જંત્રી મુજબ દસ્તાવેજ થઇ રહ્યા હોઇ પહેલાં કરતાં દસ્તાવેજ નોંધણી 25 ટકા સુધી વધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.