જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે 2005માં રોડ બનાવવા સંપાદન કરેલી જમીનનું બે ખેડૂતોને વળતર નહીં ચૂકવાતાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે કાઢેલા જપ્તી વોરંટને પગલે વકીલ અને કોર્ટની ટીમે સોમવારે બાંધકામ ખાતામાં પહોંચી ખુરશીઓ, ટીવી સહિતની વસ્તુઓ જપ્ત કરી હતી. 9 વર્ષ પૂર્વેના કેસ અંગે હાલના અધિકારીઓ અજાણ હતા. અધિકારીના જણાવ્યા મુજબ, ફંડ માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરીશું અને ફંડ આવી ગયા બાદ તે રકમનો ચેક મુદત સમયે જમા કરાવીશું.અમીપુરાથી અંબાસણ રોડ બનાવવા જિ.પં. માર્ગ મકાન વિભાગ દ્વારા 2005માં અંબાસણના ખેડૂતોની જમીન સંપાદન કરાઇ હતી.
જેમાં પટેલ કેશવલાલ રામદાસ અને પ્રજાપતિ રામાભાઈ પુંજીરામને વળતર પેટે લેવાની થતી 97 હજારની રકમને લઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જપ્તી વોરંટ કાઢતાં સોમવારે કોર્ટના બેલીફ અને વકીલ સહિતની ટીમ જિ.પં. બાંધકામ વિભાગમાં પહોંચી હતી અને કોમ્પ્યુટર, તિજોરી, ખુરશી અને ટીવી સહિતની રૂ.97,200ની વસ્તુઓ જપ્ત કરી રૂમમાં સીલ કરી હતી. માર્ગ મકાન વિભાગ દ્વારા કોર્ટમાં લેણાની રકમનું ચુકવણું કર્યા બાદ વસ્તુઓ કોર્ટના હુકમ બાદ પરત અપાશે.ઉલ્લેખનિય છે કે, ખેડૂતો જમીન સંપાદન કરાઇ તે 1993ના વર્ષથી વળતરની માગણી કરી રહ્યા છે.
આ વસ્તુ જપ્ત કરાઇ
1. રિવોલ્વિંગ ખુરશી 1
2. કોમ્પ્યુટર નંગ 2
3. લોખંડની ખુરશી 2
4. લાકડાંની ખુરશી નંગ 4
5. લાકડાનો સોફો 1
6. તિજોરી નંગ 3
7. 42 ઇંચનું ટીવી 1
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.