જિલ્લા પંચાયતમાં મંગળવાર બપોરે મળેલી સામાન્ય સભા માત્ર 17 મિનિટમાં અેજન્ડાના 5 મુદ્દા અને વિરોધપક્ષના 14 પ્રશ્નોની ચર્ચા કરાઇ હતી. અા સભામાં સ્વભંડોળ પરનું સંકટ ટાળવા 10 હેલ્થ વર્કરનો પગાર ભથ્થાનો ખર્ચ સરકારના માથે નાખવાનો ઠરાવ કરાયો હતો. હવે અા કર્મીઅોને શરતી નિમણૂંક અપાશે.
જિ.પં. પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર અને ડીડીઅો ડો.અોમપ્રકાશના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં હાઇકોર્ટના અાદેશ બાદ 10 મલ્ટી પપર્ઝ હેલ્થ વર્કર(પુ) ની નિમણૂંકનો મામલો અધ્યક્ષ સ્થાનેથી લેવાયો હતો.
જેમાં પ્રમુખે 10 હેલ્થ વર્કરને શરતી નિમણૂંક અાપવા સાથે તેમના પગાર-ભથ્થા અને પેન્શન સહિતનો ખર્ચ પંચાયતના સ્વ-ભંડોળમાં નહી પણ રાજ્ય સરકારમાંથી ચૂકવવાનો ઠરાવ પસાર કર્યો હતો. અા સાથે વર્ષ-2018 થી 2021 માં વહિવટી મંજૂર થયેલા જે કામો કોરોનાના કારણે પ્રભાવિત થાય છે તેમની મુદ્દતમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો.
કોરાના કાળમાં અટવાયેલી રૂ.10 લાખના ખર્ચે સેનેટરી ડીસ્ટોયર મશીનની ખરીદીને પણ મંજૂરી અાપવામાં અાવી હતી. સતલાસણાના અાંકલીયારા ગ્રામ પંચાયતનું વિભાજન કરી નવાવાસ-રાજપુર ગ્રામ પંચાયત અલગ કરવાની દરખાસ્ત મંજૂર કરાઇ હતી.
વિરોધપક્ષના 14 પ્રશ્નો, સત્તા પક્ષનો અેક પણ નહીં
સભામાં વિરોધપક્ષના કોંગી સદસ્યોઅે 14 પ્રશ્નો પુછ્યા હતા. જો કે, સત્તા પક્ષનો અેક પણ પ્રશ્ન ન હતો. જેમાં કોંગી સદસ્ય કુલદીપસિંહ ચાૈહાણઅે સતલાસણા તાલુકાના ભાલુસણા, સુદાસણા અને હડોલ પીઅેચસીમાં તેમજ સતલાસણા તાલુકા પંચાયતમાં મહેકમની ઘટ વિશે સવાલ કર્યો હતો.
સવાલા બેઠકના રાજીબેન ચાૈધરીઅે જેટીંગ મશીનની સ્થિતિ પ્રશ્નમાં વિજાપુર અને વિસનગર તાલુકાનુ જેટીંગ મશિન ખોટકાયું હોવાનું જાણવા મળ્યું હતું. અા ઉપરાંત લાડોલ બેઠકના હર્ષદકુમાર પટેલે જુદી જુદી સમિતિઅોની કાર્યવાહી નોંધો સામાન્ય સભા પહેલાં મળે તેવી માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.