મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલના રાજીનામા બાદ પાટીદાર પ્રમુખની રાહ જોઈ રહેલા ભાજપના આગેવાનોથી માંડીને કાર્યકર્તાઓને પ્રદેશ સંગઠને ઇતર સમાજના કાર્યકર્તા અને સૌપ્રથમ વાર બિનપાટીદાર ગિરીશ રાજગોરને પ્રમુખ બનાવીને સૌ કોઈને મોટી સરપ્રાઈઝ આપી છે. પાર્ટીએ અત્યાર સુધીનો સૌથી મોટો બોલ્ડ ડિસિઝન કરીને લોકસભાની ચૂંટણીના સોંગઠા અત્યારથી જ ગોઠવીને ઈતર સમાજના મતો અંકે કરવા માટે માસ્ટર સ્ટ્રોક માર્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
જિલ્લા ભાજપના સંગઠનના વડા તરીકે અત્યાર સુધીના ઇતિહાસમાં ત્રણ દાયકાની વાત કરીએ તો કડીના ભગુભાઈ પટેલથી માંડીને છેલ્લે જશુભાઈ પટેલ સુધી પાર્ટી દ્વારા જિલ્લામાં સૌથી મોટી વોટ બેન્ક એવી પાટીદાર સમાજનો જ પ્રમુખ બનાવવામાં આવ્યો છે. કેટલાક દિવસો પૂર્વે ભાજપના પ્રદેશ સંગઠન દ્વારા જશુભાઈ પટેલનું રાજીનામું લઈ લેવાયા બાદ પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કે પછી વર્તમાન કેબિનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલનું લોબીંગ ધરાવતો કે પછી તેમનો નજીકનો કોઈ આગેવાન પાટીદાર પ્રમુખ બનશેની અટકળો ચાલી હતી.
ત્યારે કેટલાક ઉમેદવારોએ તો પોતાના રાજકીય ગુરુનું લોબીંગ પણ શરૂ કરી દીધું હતું તેવામાં પાર્ટીએ અત્યાર સુધી દબદબો ધરાવતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી કે પછી વર્તમાન મંત્રીના માણસોની વાતો બાજુએ મૂકી તમામ લોકો સંમત થાય તે રીતે વચ્ચેનો રસ્તો કાઢીને બિન પાટીદાર ઇતર સમાજના કાર્યકર્તા એવા ગિરીશ રાજગોરને જિલ્લા ભાજપની કમાન સોંપી પાર્ટી ઉપર કોઈ ચોક્કસ સમાજ કે વર્ગ કે નેતાનું ચાલતું નથીનો ખૂબ જ સ્પષ્ટ મેસેજ પસાર કર્યો છે.
તો આગામી લોકસભાની ચૂંટણીમાં પાટીદાર ઉમેદવાર હોય તો ઈતર સમાજના મતોનું ધ્રુવીકરણ કરીને તેમને સાથે રાખવા માટે પ્રમુખ પદ ઈતર સમાજને સોંપી પ્રદેશ ભાજપ દ્વારા માસ્ટર સ્ટ્રોક માર્યો હોવાનો પણ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. મયંક નાયકને પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખની જવાબદારી પ્રદેશ ભાજપના સંગઠન દ્વારા ગુરૂવારના રોજ પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે લાખવડ જેવા ગામમાંથી આવતા મયંક નાયક ની પણ વરણી કરી હતી આમ બક્ષીપંચ મોરચામાં પણ મહેસાણા ને પ્રદેશ કક્ષાએ સ્થાન મળ્યું હતું
RSSના ચુસ્ત સમર્થક પણ મનાય છે રાજગોર
પેટ્રોલ પંપ સહિતના વ્યવસાયો સાથે સંકળાયેલા વેપારીએ એવા ગિરિશ રાજગોર નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે અને છેલ્લી ત્રણ ટર્મથી જિલ્લા ભાજપના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમને આરએસએસના ચુસ્ત સમર્થક પણ માનવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.