વિવાદ:જિલ્લા પંચાયત પ્રમુખના પુત્ર અને પુત્રીને કડી તા.પંચાયતમાં નોકરી અપાતાં વિવાદ

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઉટ સોર્સિંગ એજન્સીએ મનરેગા વિભાગમાં બંનેને નિમણૂંક આપી
  • નોકરીમાં સગાવાદનો કોંગ્રેસના સદસ્ય કુલદીપસિંહ ચૌહાણનો આક્ષેપ
  • પ્રમુખ પ્રહલાદ પરમારે કંઇપણ કહેવાનો ઈન્કાર કરી કોંગી સદસ્યને જ પૂછવા કહ્યું

જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમારના બે સંતાનોને કડી તાલુકા પંચાયતના મનરેગા વિભાગમાં આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા નોકરીએ રાખ્યા હોવાનો મામલો બહાર આવ્યો છે. કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય કુલદીપસિંહ ચૌહાણે 18મી જાન્યુઆરીએ મળનારી સામાન્ય સભામાં રજૂ કરનાર પ્રશ્નોત્તરી જાહેર કરતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. આ મામલે જિ.પં. પ્રમુખે કંઇપણ કહેવાનો ઈન્કાર કરી આક્ષેપ કરનાર સદસ્યને પૂછવા કહ્યું હતું.

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ પ્રહલાદ પરમારના સંતાનોને આઉટ સોર્સિંગ એજન્સીએ નોકરીએ રાખવાના મુદ્દે વિવાદ થાય તેવા એંધાણ છે. કડી તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગમાં પ્રમુખના પુત્ર દેવાંગ શાહને ગ્રામ રોજગાર સેવક અને પુત્રી રચના પરમારને એમઆઈએસ કો-ઓર્ડિનેટર તરીકે હર્ષ એન્ટરપ્રાઈઝ નામની આઉટ સોર્સિંગ એજન્સીએ 22 જૂન, 2021થી નોકરીએ રાખ્યા છે. મનરેગા વિભાગમાં બેરોજગારોને નોકરી આપવાના બદલે શાસકપક્ષ ખોટી રીતે ભરતી કરી પદાધિકારીઓના સગા અને સંતાનોને લઇ રહ્યા હોવાનો સદસ્ય કુલદીપસિંહ ચૌહાણે આક્ષેપ કર્યો છે.

ડીડીઓના અધ્યક્ષસ્થાનવાળી કમિટી પસંદગી કરે છે
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રજાપતિએ કહ્યું કે, આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા ઉમેદવારોના નામ અપાયા બાદ ઉમેદવારોના ઇન્ટર્વ્યૂ કરી ડીડીઓના અધ્યક્ષ સ્થાનવાળી કમિટી ઉમેદવારની પસંદગી કરતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...