પાલિકા જાગી:મહેસાણા નગરપાલિકા દ્વારા જર્જરિત શોપિંગો, પાણીની ટાંકીઓની સ્ટેબિલિટી ચકાસશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે બસ સ્ટેશન રોડ પર આવેલા ગાંધી શોપિંગ સેન્ટરમાં 3 દુકાનોનું છજુ તૂટી પડ્યા બાદ તંત્ર હરકતમાં
  • એકાદ અઠવાડિયામાં​​​​​​​ બે શોપિંગ સેન્ટર અને 5 ટાંકીનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ આવી જશે
  • ​​​​​​​સ્ટ્રક્ચરલ ઇજનેર મારફતે પ્રથમ મહાત્મા ગાંધી અને રાજમહેલ રોડ શોપિંગ સેન્ટર તેમજ પાણીની 5 ટાંકીનો સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરાશે

મહેસાણા નગરપાલિકા દ્વારા વર્ષો પહેલાં બંધાયેલા રાજમહેલ રોડ પરના મ્યુનિ. શોપિંગ સેન્ટરના પ્રથમ માળે સ્લેબ તૂટી પડ્યા હતા, બાદ મંગળવારે બસ સ્ટેશન રોડ પરના મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરની ત્રણ દુકાનોના છજાનો ભાગ ધરાશાયી થયો હતો. જેને પગલે જાગેલી નગરપાલિકા દ્વારા સૌપ્રથમ પાલિકા હસ્તકના 2 શોપિંગ સેન્ટરો તેમજ પાણીની 5 ઓવરહેડ ટાંકીઓની સ્ટેબિલિટી (મજબૂતીકરણ) ચકાસવા સ્ટ્રક્ચરલ ઇજનેર મારફતે સર્વે હાથ ધરાયો છે. જેનો અહેવાલ રજૂ થયા બાદ આ બાંધકામોનું શું કરવું તે અંગે નિર્ણય કરાશે.

રાજમહેલ રોડ પર આવેલ મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરનો જોખમી ભાગ પડવાની તૈયારીમાં છે.
રાજમહેલ રોડ પર આવેલ મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરનો જોખમી ભાગ પડવાની તૈયારીમાં છે.

કારોબારી ચેરમેન કૌશિક વ્યાસે કહ્યું કે, બે શોપિંગ સેન્ટર વર્ષો જૂનાં છે. સ્ટ્રક્ચરલ ઇજનેર મારફતે સર્વે કરાઇ રહ્યો છે. વેપારીઓ સાથે બેઠક કરી મરામત કરવી કે અન્ય કોઇ વિકલ્પ તે બાબતે પરામર્શ બાદ નિર્ણય લેવાશે. ઇજનેરના રિપોર્ટમાં શું આવે છે તેનો અભ્યાસ કરી આગળ આયોજન કરાશે. બાંધકામ વિભાગના સૂત્રોએ કહ્યું કે, એકાદ અઠવાડિયામાં બે શોપિંગ સેન્ટર અને 5 ટાંકીઓનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અંગેનો રિપોર્ટ આવી જશે. ટાંકીઓમાં ત્રણ ટાંકી વપરાશ વગરની હોઇ જમીનદોસ્ત કરવાની થઇ શકે.

જોકે, રિપોર્ટ આવ્યા પછી જ નિર્ણય લેવાશે. પાલિકાના 6 શોપિંગ પૈકી પ્રથમ તબક્કામાં રાજમહેલ રોડ મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર અને મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરનો સર્વે કરાશે. ત્યાર પછી બાકીના શોપિંગ અને 28 પાણીની ટાંકીઓનો સ્ટેબિલિટી સર્વે કરાશે. બુધવારે પ્રમુખ, કારોબારી ચેરમેન, સીઓ, બાંધકામ ઇજનેરે જર્જરીત શોપિંગ સેન્ટર અંગે ચર્ચા કરી હતી અને વેપારીઓ સાથે બેઠક કરી આગળ વિચારણા કરવા નક્કી કરાયું હતું.

પાલિકા હસ્તક શોપિંગ
શોપિંગ સેન્ટરદુકાનો
1. રાજમહેલ રોડ92
2. મહાત્મા ગાંધી225
3. પિલાજીગંજ167
4. રંગમહેલ ટેકરા25
5. ટીબી રોડ48
6. બિલાડીબાગ લાઇન18
7. પરા તળાવ163
કુલ738

35,વર્ષ જૂનંુ મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર 40, વર્ષ જૂનું રાજમહેલ શોપિંગ સેન્ટર 30, વર્ષ જૂની છે પાણીની ઓવરહેડ ટાંકીઓ લકી પાર્ક, સોમનાથ ઋતુરાજ પાસે, ચવેલીનગર, મંગળા પાર્ક, સહકાર નગર

કૃષ્ણના ઢાળમાં જૂની પોસ્ટ ઓફિસવાળું મકાન અત્યંત ભયજનક હાલતમાં, અકસ્માત થાય તે પહેલાં ઉતારાવો
​​​​​​​શહેરના કૃષ્ણના ઢાળ અને જૂની પોસ્ટ ઓફિસવાળું મકાન અત્યંત ભયજનક હાલતમાં છે. ટ્રાફિકવાળો રસ્તો છે અને ભયજનક મકાનના કારણે મોટો અકસ્માત સર્જાઇ શકે છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કંઇ સાંભળતું નથી. કોઇ મોટી જાનહાની થશે તો વહીવટી તંત્ર જવાબદાર ગણાશે. આથી સત્વરે યોગ્ય કરવા કાન્તિભાઇ પટેલ નામના નાગરિક દ્વારા બુધવારે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરાઇ હતી.

દુકાનો આગળ લટકતાં બોર્ડ ઉતરાવીને ભયજનક છજાની ચકાસણીની વિચારણા
મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરની છતમાં અગાઉ સળિયા બહાર આવેલા છે. દુકાનો આગળ છજામાં ઘણી જગ્યાએ તિરાડો છે. આવી હાલત રાજમહેલ રોડ શોપિંગ સેન્ટરના ત્રણ માળમાં પણ છે. ત્યારે નગરપાલિકા હવે રોડ સાઇડ દુકાનોના બોર્ડ પાછળ ઢંકાયેલો ભાગ ભયજનક છે કે નહીં અને મરામતની જરૂર છે કે નહીં તેની ચકાસણી કરવા વિચારી રહી છે. જોકે, આ અંગે આયોજન થયે વેપારીઓને જાણ કરી કામગીરી કરાશે.

મહાત્મા ગાંધી શોપિંગનું આયુષ્ય પૂર્ણ, પાછળ નવું બનાવી આપો,નહીં તો આંદોલન કરાશે: વેપારીઓ
​​​​​​​ગોપીનાળાથી બસ સ્ટેશન તરફ વળાંકના ટર્નિંગમાં જ ટ્રાફિક વિસ્તારમાં સામે આવેલ મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર આખુ જર્જરીત છે. આયુષ્ય લગભગ પૂર્ણ થયું છે. વારંવાર રજૂઆતો છતાં પાલિકા માત્ર થીંગડાં મારી કામ ચલાવે છે. આ માર્કેટ 30 ફૂટની પહોળાઇમાં બનેલું છે અને પાછળ પાર્કિંગ બાજુ 70 થી 90 ફૂટ પહોળી જગ્યા પડી હોઇ ત્યાં સી અથવા યુ આકારમાં નવું માર્કેટ બનાવી આપવા શોપિંગ સેન્ટર એસો.ના પ્રમુખ વિપુલભાઇ રાવલ સહિત વેપારીઓએ બુધવારે નગરપાલિકામાં રજૂઆત કરી હતી.

વધુમાં મુતરડી, સિક્યુરિટી, લીફ્ટની વ્યવસ્થા વગર પાલિકા માત્ર ભાડું ઉઘરાવે છે. વેપારીઓએ પ્રિમિયમથી દુકાનો ખરીદેલી અને માત્ર ચોરસ ફૂટે એક રૂપિયો ભાડુ લેવું તથા તે કદી વધશે નહીં તેવું નક્કી થયેલું, પણ હવે પાલિકા નવા ભાડૂઆતની ટ્રાન્સફર થાય તેની પાસે ફૂટે રૂ.6 ભાડુ વસુલે છે, જે બિનકાયદેસર હોઇ તાત્કાલિક ફૂટે એક રૂપિયો કરવો. માર્કેટ પાછળ નવું બનાવી જરૂરી સુવિધા આપો, નહીં તો નાછુટકે આંદોલન અને જરૂરી યોગ્ય પગલાં લેવા પડશે તેવી ચીમકી ઉચ્ચારતી લેખિત રજૂઆત કરાઇ છે.

એક્સપર્ટ વ્યૂ,વપરાયેલા સ્ટીલની પોઝિશન પર નિર્ભર હોય છે સ્ટેબિલિટી
જનરલી કોમર્શિયલ બિલ્ડિંગનું આયુષ્ય 50 વર્ષ પ્રમાણે ડિઝાઇન થતાં હોય છે. જેમાં મટિરિયલ અને વર્ક કેવું થયેલું છે તે મહત્વનું છે. જેમ માણસમાં હાડકાં મહત્વનાં છે અને ઉપર કવચ હોય છે એમ બિલ્ડિંગમાં લોડ વપરાયેલ સ્ટીલ ઉપર હોય છે. આ સ્ટીલ (લોખંડ) કેટલું ટકાઉ છે તેની પોઝિશન ચકાસીને કહી શકાય કે બિલ્ડિંગ વપરાશલાયક છે કે નહીં તે નક્કી થાય, કેટલું ટકી શકે, કેટલું બુસ્ટ થઇ શકે. ખાસ કરીને સ્ટીલમાં પાણી ન જાય, પાણીને ત્યાં સુધી પહોંચતાં રોકી શકાય અને બીજું લેયર, કોટિંગ કરી બચાવી શકાય પણ તે પોઝિશન ઉપરથી નક્કી કરાય. બિલ્ડિંગ બનાવતી વખતે સ્ટ્રક્ચરલ ડિઝાઇન પ્રમાણે જ કામ થયું છે કે નહીં તે પણ એટલું જ અગત્યનું છે. - સતેન્દ્ર યાદવ, સ્ટ્રક્ચરલ એન્જિનિયર​​​

અન્ય સમાચારો પણ છે...