મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે બે દિવસ અગાઉ હાર્દિક પટેલના પોસ્ટ પર કાળી શાહી લગાવનાર પાટીદાર અગ્રણી ધનજી પટેલની ગાડી ગઈકાલે રાત્રે એકાએક સળગી ઉઠતા આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ધનજી પટેલે પોતાની ગાડી રાત્રે ઓફિસના નીચે પાર્ક કરી હતી. જે એકાએક આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી. હાલમાં અજાણ્યા કોઈ ઈસમોએ લાગ લગાડી હોવાના આક્ષેપ કરી ધનજી પટેલે ઊંઝા તાલુકા પોલીસ મથકમાં અરજી આપી છે.
ધનજી પટેલે શાહી લગાવીને વીડિયો વાયરલ કર્યો હતો
હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયા બાદ પાટીદાર સમાજમાં ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાર્દિક પટલેના વિવાસપદ નિવેદન બાદ ઊંઝાના સ્થાનિક પાટીદાર અગ્રણી ધનજી પટેલે હાર્દિક પટેલના લાગેલા પોસ્ટ પર કાળી શાહી લગાવી હતી અને એનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. ત્યારે ગત મોડી રાત્રે ધનજી પટેલી ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગાડી સળગાવવા મામલે ધનજી પટેલો ઇશારો હાર્દિક તરફ છે. જોકે, આ અંગે ખુલ્લીને તેમણે કોઇનું નામ લીધું નથી.
રાત્રે એક વાગ્યે ગાડી સળગી
આ અંગે ધનજી પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, કાલે હું અમદાવાદ મિટિંગમાં હતો. ત્યારબાદ રાત્રે કામ પતાવી 9 વાગ્યે ઉનાવા આવ્યો હતો. મારી પત્ની અને પુત્ર સાથે હું ઊંઝામાં શાંતિ આર્કેર્ડમાં મારી ઓફિસ છે ત્યાં ગયો. ગાડી બહાર પાર્ક કરીને અમે ઓફિસમાં ગયા. ત્યારબાદ સાડા અગિયાર વાગ્યે હુ નીચે આવેલો ત્યારે ગાડી બરાબર હતી. ત્યારબાદ અમે બધાએ હાર્દિકના મુદ્દે ચર્ચા કરી હતી. આ ચર્ચા કરી હું સુવાની તૈયારી કરતો હતો ત્યારે ધડાકા ભેર અવાજ સંભાળ્યો હતો. બાદમાં નીચે અમરતલાલ કરીને એક માણસે ઓફિસનું શટર ખખડાવી મને જાણ કરી હતી. ત્યારે 1.10 વાગ્યે મે બહાર જઇને જોયું તો મારી સ્વીફ્ટ ગાડીમાં આગ લાગેલી હતી. મને પુરેપુરી શંકા કે પાર્ક કરેલી ગાડી આમ સળગે નહીં આ ગાડી અજાણ્યા કોઈ શખ્સોએ સળગાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.