ચૂંટણીને લઇ બ્રેક લાગી:વિધાનસભા ચૂંટણીને લઇ મહેસાણા શહેરમાં ‌8.14 કરોડના વિકાસકામો ઉપર બ્રેક લાગી

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14 ડિસેમ્બરના રોજ 8 જેટલા કામોના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થાય છે
  • ચૂંટણી આચારસંહિતાને લઈ ચૂંટણી પછી જ કામો શરૂ કરવાનો વર્કઓર્ડર આપી શકાશે

મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આગામી સમયમાં રૂ.8.14.કરોડના ખર્ચે થનારા 8 જેટલા વિકાસના કામો પર વિધાનસભા ચૂંટણીને લઇ બ્રેક લાગી છે. ટેન્ડર પ્રક્રિયા આગામી દિવસમાં પૂરી થતી હોવા છતાં ચૂંટણી આચારસંહિતા અમલી હોઇ વિકાસકામોનો વર્કઓર્ડર આપી શકાતો નથી, જેને લઇ કામો શરૂ થઈ શકે નહીં.

શહેરમાં સિટીબસના બસ સ્ટેન્ડ ફિક્સ કરવા, સીસી રોડ બનાવવા, મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર બનાવવા, ટાંકી અને અંડર ગ્રાઉન્ડ સમ્પની સાફ-સફાઈની કામગીરી અને શહેરની 35 જેટલી સોસાયટીઓમાં આરસીસી રોડ બનાવવા સહિતની કામગીરી માટે નગરપાલિકા દ્વારા કરાયેલી ટેન્ડર પ્રક્રિયા 14 નવેમ્બરના રોજ પૂરી થાય છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીને પગલે આદર્શ આચારસંહિતા અમલી હોઇ 8.14 કરોડના વિકાસના 8 કામો માટે હવે ચૂંટણી પછી જ વર્કઓર્ડર આપીને કામગીરી શરૂ કરી શકાશે.

35 સોસાયટીઓમાં ચૂંટણી પછી જ રોડ બનાવવાનું કામ શરૂ થશે 35 સોસાયટીઓમાં આમ તો શહેરી વિકાસ અને જન ભાગીદારી યોજના અંતર્ગત એસ્ટીમેટની રકમ ભર્યા બાદ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવાની હતી. પરંતુ આચારસંહિતાને પગલે હવે આ સોસાયટીઓમાં આરસીસી રોડ પણ ચૂંટણી પછી જ બનશે.

વિકાસના આ કામો હાલ પૂરતાં નહીં થઇ શકે...
1. કારકૂન ચાલી અને પિલાજીગંજ પાસે 8 લાખના ખર્ચે સિટી બસ સ્ટેશન ફિક્સ કરવાની કામગીરી.
2.અવસર પાર્ટી પ્લોટથી રાધે એક્ઝોટીકા સુધી 83 લાખના ખર્ચે સીસી રોડ બનાવવાનું કામ.
3. શહેરમાં 10 લાખના ખર્ચે 389 બાંકડા સપ્લાય કરવાની કામગીરી.
4. ટીપી-2 અને ફાઇનલ પ્લોટ 16 અને આશ્રય હોટલ પાસે 3.89 કરોડના ખર્ચે મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર બનાવવાની કામગીરી.
5. પાલિકા હસ્તકની 11 લાખના ખર્ચે ઓવરહેડ ટાંકી અને અંડર ગ્રાઉન્ડ સમ્પની સાફ-સફાઈની કામગીરી.
6. રૂ.6.50 લાખના ખર્ચે ધરમ સિનેમા પાસે વરસાદી લાઈન નાખવાનું
7. જન ભાગીદારી યોજના અંતર્ગત 2.36 કરોડના ખર્ચે ખાનગી સોસાયટીમાં સીસી રોડ બનાવવાની કામગીરી.
8. 71 લાખના ખર્ચે સિવિલમાં પમ્પિંગ સ્ટેશન બનાવવાનું કામ

અન્ય સમાચારો પણ છે...